ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછત મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. બહુજન આર્મીના નેતૃત્વ હેઠળ લોકોએ નલિયા – ભુજ હાઈવે પર ચક્કાજામ કરી વાહનવ્યવહારને એક કલાક સુધી રોકી રાખ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત તરફ ધ્યાન દોરવાનો હતો, જેના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
બહુજન આર્મીના સ્થાપક લખન ધુઆએ જણાવ્યું કે અબડાસા તાલુકામાં લગભગ 600 જેટલા શિક્ષકોની ઘટ છે. તેમણે આ મુદ્દાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજાયેલા પ્રવેશોત્સવ સાથે જોડ્યો, જ્યાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ તેમને ભણાવવા માટે શિક્ષકો જ નથી. ધુઆએ કચ્છની આર્થિક મહત્ત્વતા પર પણ ભાર મૂક્યો અને જણાવ્યું કે રાજ્યની તિજોરીમાં સૌથી વધુ યોગદાન આપવા છતાં બાળકોને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું પડે છે.
આંદોલનકારીઓએ “શિક્ષકોની ભરતી કરો, નહીંતર ખુરશી ખાલી કરો” જેવા નારા લગાવ્યા હતા. ચક્કાજામ બાદ રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંત કચેરીના અધિકારીએ આ મામલે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. જોકે, બહુજન આર્મીએ એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો આ સમયગાળામાં કોઈ કાર્યવાહી ન થાય તો ભાજપના પદાધિકારીઓના ઘર બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.