ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ગાંધીધામમાં રખડતા ઢોર તેમજ ગેરકાયદેસર દબાણો દુર કરવા ગાંધીધામ સિટીઝન કાઉન્સીલ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર મિતેશ પંડ્યા, ડેપ્યુટી કમિશ્નર સંજય રામાનુજને લેખિતમાં રજુઆત કરી હતી કે અગાઉ ૬ઠ્ઠી જાન્યુઆરી અને ર૮મી જાન્યુઆરીના રખડતા ઢોર અને સફાઈ તેમજ ગેરકાયદેસર દબાણો અંગે જે વિનંતી કરાઈ હતી તેના પર હજુ કોઈ કામગીરી થઈ હોય એવું લાગતુ નથી. રખડતા ઢોરના ત્રાસથી અનેક વાર અકસ્માતો સર્જાય છે અને ખાસ કરીને જ્યાં સુધી રસ્તા પર ઘાસચારાનું વેચાણ બંધ નહી થાય ત્યાં સુધી ઢોરની સમસ્યાનં સમાધાન થશે નહી.

હાલમાં જ ગાંધીધામ આદિપુર ખાતે અકસ્માતો સર્જાઈ ચુક્યા છે તેમજ સંચારમાં પણ જાેઈ શકાય છે કે ઢોર પકડવા માટે જ રકમ અપાઈ છે તેનો હજુ ઉપયોગ થયો નથી. બીજુ સોશીયલ મીડીયામાં પણ સમાચાર આવતા રહે છે કે ગાંધીધામમાં ઠેર ઠેર ગંદકી ખુબ જ વધી ગઈ છે જેના લીધે રોગચાળો ફેલાવાની પુરી શક્યતા છે. જેથી ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ, સફાઈ અને ગેરકાયદેસર દબાણ ઉપર કાર્યવાહી કરવા વિનંતી કરાઈ હતી.