ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શ્રી સરસ્વતી વિધા મંદિર અંતરજાળના પ્રાથમિક વિભાગની પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ—દીકરીઓએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અને રાષ્ટ્ર તથા સમાજની રક્ષાર્થે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેમ્બર ભવન ખાતે આવકાર્ય શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિદ્યાલયના શિક્ષકો તેમજ અંતરજાળ ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢીમાં સંવર્ધિત કરવા માટે તથા ભવિષ્યના નેતાઓને પ્રોત્સાહિત કરવાની ભાવનાથી આ અનોખો સંસ્કારોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ વિશિષ્ટ ઉજવણી પ્રસંગે ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, “આપણા મૂળભૂત તહેવારો માત્ર પરંપરા જ નથી, પરંતુ તે સમાજને જોડતી અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ગાંધીધામ ચેમ્બર દરેક ક્ષેત્રે– શિક્ષણ, સંસ્કાર, વેપાર-ઉદ્યોગ કે સામાજિક સેવામાં—પ્રોત્સાહન આપીને સમાજના સર્વાંગી વિકાસમાં હરહમેશ અગ્રેસર રહ્યું છે. સરસ્વતી વિધા મંદિર દ્વારા ચલાવવામાં આવતા સંસ્કાર અને જ્ઞાનના સરાહનીય કાર્યો અભિનંદનને પાત્ર છે. આવી પ્રવૃત્તિઓ ભાવી પેઢીને પ્રેરણા આપીને રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે એ સમજણ કરાવે છે, અને શિક્ષણ દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. આવતીકાલના લીડર્સને આ મૂલ્યો સાથે ધડવું એ જ ચેમ્બરની અને સમગ્ર સમાજની સાચી સેવા છે.”
પૂર્વ પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, “રક્ષાબંધન એ માત્ર ભાઈ-બહેનનો તહેવાર નથી, પરંતુ રામાનતા અને સમરસતાનો જીવંત સંદેશ છે. જેમ રેશમનો તાંતણો ભાઈ-બહેનના બંધનને મજબૂત કરે છે, તેમ સમાજના દરેક વર્ગ વચ્ચે વિશ્વાસ, સ્નેહ અને સહકારનું સૂત્ર બાંધી સમગ્ર વિસ્તારને એકતાના દોરમાં જોડવું એ જ આ તહેવારનો સાચો અર્થ છે.
આ તબક્કે, ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, “આવા તહેવારો સમાજમાં પ્રેમ, સુરક્ષા અને એકતાની ભાવના વિકસાવે છે અને બાળકોમાં ફરજ સાથે જવાબદારીની ભાવના પ્રગટાવે છે.”
“શિક્ષિકા કવિતાબેન શાહે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારનું મહત્ત્વ રેશમના તાંતણા જેટલું મજબૂત બંધન તરીકે વર્ણવ્યું અને સંબંધીત શ્લોક સાથે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી આવકાર્યા હતા.
વિદ્યાલયની પ્રધાનાચાર્યા ગીતાબેન સોનીએ વિદ્યા ભારતીની દેશવ્યાપી 25,000 થી વધુ શાખાઓ દ્વારા મૂળભૂત સંસ્કૃતિ જાળવવાની, સમાજમાં પરિવર્તન લાવવાની, શિક્ષણ દ્વારા ક્રાંતિકારી વિકાસની તથા સાહિત્ય—સંસ્કૃતિના પ્રસારથી ભાવી પડકારોનો સામનો કરવાની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આવા મૂલ્યવર્ધન કાર્યક્રમોમાં ગાંધીધામ ચેમ્બર જેવા મોટા સંગઠનના સહકારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ત્યારબાદ શિક્ષિકા ઉર્વશીબેન પટેલે સંકલ્પ પત્રનું વાંચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ મંત્રી શ્રી મહેશ તીર્થાણીએ સંભાળ્યું હતું. અને આભારવિધિ શિક્ષિકા ભૂમિકાબેન પરમારે સંભાળી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓ અને દીકરીઓએ ઉપસ્થિત ચેમ્બરના હોદેદારો, કારોબારી સભ્યો, ચેમ્બર સ્ટાફ, ટ્રાન્સપોર્ટ-ટેન્કર એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાના હોદેદારોને તિલક કરીને રક્ષા બાંધી હતી અને વ્યક્તિ, સંસ્થા, સમાજ તથા રાષ્ટ્રની સુરક્ષા—ઉન્નતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. બાળકો માટે પ્રેરણાસ્રોત બની રહે તે હેતુથી આ અવસરે ચેમ્બર તરફથી દીકરીઓને શિક્ષણને અનુરૂપ સ્મૃતિરૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અંતરજાળ સરસ્વતી વિધા મંદિરના ટ્રસ્ટી અને વ્યવસ્થાપકો સર્વશ્રી શંભુભાઈ મ્યાત્રા, તથા ભરતભાઈ બલદાણીયા, રમેશભાઈ કેલા, પ્રધાન આચાર્ય ગીતાબેન સોની, શિક્ષકો ઉર્વશીબેન પટેલ, કવિતાબેન શાહ, ભૂમિકાબેન પરમાર, ગાંધીધામ ચેમ્બર તરફથી માનદમંત્રી મહેશ તીર્થાણી, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, કારોબારી સભ્યો હરીશ માહેશ્વરી, કૈલેશ ગોર, કમલેશ પારીયાણી, પંકજ મોરબીયા, ટ્રક-ટેન્કર એસોસીએશનના પ્રમુખ રમેશ મ્યાત્રા અને શ્રી રમેશ આહીર, હોદેદારો મહેન્દ્ર શર્મા, ધર્મેશ મ્યાત્રા, દેવજીભાઈ ડાંગર, ચેમ્બર પરિવાર તેમજ વિદ્યાર્થી બાળકો ઉપસ્થિત રહ્યા હતા, તેવું અખબારી યાદીમાં માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું.