ભુજની રેજેન્ટા હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારનો પર્દાફાશ

પૂર્વ કચ્છમાં જુગાર પર પોલીસનો સપાટો: 44 જુગારી ઝડપાયા, લાખોની રોકડ જપ્ત પૂર્વ કચ્છમાં જુગાર પર પોલીસનો સપાટો: 44 જુગારી ઝડપાયા, લાખોની રોકડ જપ્ત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ શહેરની પ્રતિષ્ઠિત રેજેન્ટા હોટલમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગાર અડ્ડા પર પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ દરોડામાં રોકડા ₹1.14 લાખ સહિત કુલ ₹15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દારૂની મહેફિલ પણ ચાલતી હોવાથી આરોપીઓ વિરુદ્ધ અલગથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં પૂર્વ સનદી અધિકારીઓ અને વર્તમાન ઉચ્ચ સરકારી અધિકારીઓનો સમાવેશ થતો હોવાથી આ દરોડો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીઆઈ એ.એમ. પટેલને હોટલ રેજેન્ટાના રૂમ નંબર 404માં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક પાસેથી વોરંટ મેળવી, પંચોને સાથે રાખીને મધ્યરાત્રિએ પોલીસે દરોડો પાડ્યો હતો.

Advertisements

દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા કિરીટભાઈ રમેશભાઈ પટેલ, જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા, ચિરાગ બળદેવભાઈ ડોડિયા, સંજયભાઈ પ્રવીણભાઈ પટેલ, નરેન્દ્રભાઈ અરવિંદભાઈ ભદ્રા, અરવિંદકુમાર ચત્રભુજ ગોર (તમામ રહે. ભુજ) અને ચંદ્રકાંતભાઈ જાદવજી પટેલ (થલતેજ-અમદાવાદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા ₹1,14,100, આઠ મોબાઈલ ફોન (કિંમત ₹4,70,000), અને એક કાર (કિંમત ₹10 લાખ) સહિત કુલ ₹15,84,100નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વધુમાં, દરોડા દરમિયાન કિરીટભાઈ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલાના મોઢા સૂંઘતા તેઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થળ પરથી મોંઘેરા વિદેશી શરાબની બે બોટલ પણ મળી આવી હતી. આથી, બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisements

જોકે, પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં આરોપીઓની સરનામા સિવાય અન્ય કોઈ ઓળખ દર્શાવવામાં આવી નથી, પરંતુ આ દરોડા અંગેની લોકચર્ચા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી અને નિવૃત્ત કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગના પૂર્વ કાર્યપાલક ઈજનેર અને વર્તમાન ઈજનેર સહિત ત્રણ સરકારી અધિકારીઓ, સ્ટેટ આઈબીના નિવૃત્ત એએસઆઈ, તેમજ કેટલાક જાણીતા વેપારીઓનો સમાવેશ થાય છે. આ હાઈપ્રોફાઈલ દરોડાએ સમગ્ર કચ્છમાં ચકચાર જગાવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment