ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ-માંડવી રોડ પર મેઘપર ગામ નજીક બુધવારે સાંજે દારૂના નશામાં ચુર બનેલા એક કારચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સાંજે સાતેક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં, ગાંધીધામના નીતિન કાનજી ફફલે (ઉ.વ. 21) પોતાની બલેનો કાર બેફામ ગતિએ અને રોંગ સાઈડમાં ચલાવીને સામેથી આવતા વાહનોને ટક્કર મારી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તેની કાર પાસે દારૂની બાટલી અને ગ્લાસ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે તે નશાની હાલતમાં હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નશામાં ચુર નીતિને પ્રથમ એક મોટરસાયકલ અને ત્યારબાદ રાજપર તરફ જઈ રહેલા એક પરિવારની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં રાજપર ગામના નીતિન પટેલ (ઉ.વ. 63), મીનાબેન પટેલ (ઉ.વ. 51), અંકિતા પટેલ (ઉ.વ. 29) અને ધૃતિ પટેલ (ઉ.વ. 6) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભુજના સેજલ ગોગરી (ઉ.વ. 36) અને લુડવાના કિશોર ધોળુ (ઉ.વ. 60) ને પણ ઈજા પહોંચી હતી.

બનાવની જાણ થતા જ માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જનાર નીતિન ફફલને ઝડપી પાડી, તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું અને તેની અટકાયત કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.