ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના જવાહર નગર વિસ્તારમાં મોડી રાત્રે લૂંટના ઈરાદે એક પરપ્રાંતીય યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
જાણવા મળ્યા મુજબ, સુનિલ કનૈયાલાલ નટ્ટ (ઉંમર આશરે ૩૬ વર્ષ) નામના યુવક રાત્રે બસમાંથી ઉતરીને જવાહર નગર વિસ્તારમાં ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ત્રણ બાઈક સવારોએ તેમને રોકી લૂંટનો પ્રયાસ કર્યો હતો. લૂંટારુઓ અને સુનિલ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન લૂંટારુઓએ સુનિલ પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

હુમલા બાદ હુમલાખોરો તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે સુનિલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.