ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર નજીક આવેલા વરસામેડી વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટ પેઢીના ભાગીદારે પોતાના અન્ય બે ભાગીદારો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પેઢીના ભાગીદાર બીમાર પડતાં વતન ગયા તે સમયગાળા દરમિયાન, તેમના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી ₹1.08 કરોડથી વધુની રકમ પોતાના અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનેલા ફરિયાદીએ હિસાબ માંગતા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
મૂળ રાજસ્થાનના અને હાલ મુન્દ્રાના નાના કપાયામાં રહેતા સમીર જગદીશપ્રસાદ શર્માએ અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે 22 જાન્યુઆરી, 2021ના રોજ જયપાલ ગડસીરામ ગુર્જર અને વિક્રમ શેખાવત સાથે ભાગીદારીમાં “જે.એસ.એલ. ગ્લોબલ લોજિસ્ટિક” નામની ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી હતી. ત્રણેય ભાગીદારો વચ્ચે કામની વહેંચણી નક્કી કરવામાં આવી હતી: સમીર ઓર્ડર લેવાનું કામ સંભાળતા, વિક્રમ ટ્રકો શોધવાનું અને જયપાલ ઓફિસનું સંચાલન કરતા હતા.
માર્ચ 2022માં જયપાલે તેના મોટાભાઈ છાજુરામ ગુર્જરના નામે “પ્રિન્સ લોજિસ્ટિક” નામની અલગ કંપની શરૂ કરી. આ કારણે તેમની મૂળ કંપનીનો ધંધો ઓછો થવા લાગ્યો. વિક્રમને જયપાલના વિશ્વાસઘાતની જાણ થતાં તેણે ભાગીદારીમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ, છાજુરામે સમીરને વિશ્વાસમાં લેવા માટે બન્ને કંપનીઓ એક જ છે અને બન્નેમાંથી થતા નફામાં 50-50 ટકા ભાગ આપવાનું વચન આપ્યું, પરંતુ હિસાબમાં નીકળતા ₹16 લાખ આપ્યા ન હતા.
આ ઘટના બાદ, સમીર શર્માની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ લાંબા સમય માટે પોતાના વતન ગયા. આ સમયગાળા દરમિયાન, જયપાલ અને છાજુરામે એક કાવતરું રચીને કંપનીના બેંક ખાતામાંથી ₹1,08,89,889ની મોટી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી. સમીરે વતનથી ફોન કરીને હિસાબ માંગ્યો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. આ રકમનો હિસાબ માંગતા, બન્ને આરોપીઓએ તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. આખરે સમીરે આ મામલે અંજાર પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર: સરકારી જમીનના નામે ₹90 લાખની ઠગાઈ, બે આરોપીઓ સામે ફોજદારી
અંજારમાં સરકારી જમીન નામે કરાવી આપવાની લાલચ આપીને પાંચ લોકો પાસેથી ₹90 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ગૌસેવા જેવી પ્રવૃત્તિનો સહારો લઈને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. ભોગ બનેલા ટ્રાન્સપોર્ટર પરષોત્તમ મનજી હડિયાએ અમદાવાદના કિરીટ પટેલ અને અંજારના સંજય પ્રજાપતિ સામે અંજાર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, મૂળ વીડી ગામના અને હાલ નાની નાગલપરની કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય ટ્રાન્સપોર્ટર પરષોત્તમ હડિયા ગૌસેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. 2023માં તેઓ આદિપુરના પંચમુખી હનુમાન મંદિરે ગૌસેવા કરવા જતા હતા, ત્યારે તેમની ઓળખાણ અમદાવાદના કિરીટ પટેલ સાથે થઈ. કિરીટે તેમની સાથે મિત્રતા કેળવી અને બાદમાં પોતાની ગાંધીનગરમાં મોટી ઓળખાણ હોવાનું અને સરકારી જમીન સરળતાથી કોઈ પણ વ્યક્તિના નામે કરાવી આપતા હોવાનું જણાવ્યું.
પરષોત્તમે આ વાતમાં આવીને પોતાના સબંધીઓ ભીમજી મુલજીભાઈ ચોટારા, પરેશ ધનજીભાઈ માલસતર, રસિક પરષોત્તમભાઈ હડિયા અને મુકેશ મનજીભાઈ સોરઠીયાને આ અંગે વાત કરી. ત્યારબાદ આ પાંચેય લોકોએ કિરીટ પટેલને જુદા જુદા પાંચ સર્વે નંબરની વિગતો આપી. આરોપી કિરીટે જમીન નામે કરાવવા માટે ₹90 લાખની માંગણી કરી અને આ રકમ ટુકડે-ટુકડે આંગડિયા મારફતે મોકલાવી દેવા જણાવ્યું.
પાંચેય લોકોએ વિશ્વાસ રાખીને કિરીટ કહે તે આંગડિયા પેઢીમાં ₹90 લાખ જમા કરાવ્યા. પૈસા આપ્યા બાદ બે મહિના વીતી ગયા છતાં જમીન નામે ન થતા, તેઓ અમદાવાદમાં કિરીટના ઘરે પહોંચ્યા. ત્યાં કિરીટે વધુ ₹10 લાખનો ખર્ચ થશે તેમ કહીને વધુ પૈસાની માંગ કરી. આ સમયે તેમને છેતરાયા હોવાની શંકા ગઈ અને તેમણે આપેલા પૈસા પાછા માંગ્યા. તે દરમિયાન તેમના ઓળખીતા સંજય પ્રજાપતિએ ફોન કરીને તેમને વિશ્વાસમાં લીધા અને પૈસા પાછા ન માંગવા જણાવ્યું.
જોકે, લાંબો સમય વીતી ગયા બાદ પણ ન તો કામ થયું કે ન પૈસા પાછા મળ્યા. જ્યારે ફરીથી કિરીટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવ્યો. અમદાવાદ તેના ઘરે જતાં તે ત્યાંથી નીકળી ગયો હોવાનું બહાર આવ્યું. આખરે, આ પાંચેય લોકોએ અંજાર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.