ગાંધીધામ ટુડે, ન્યૂઝ :કચ્છ જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગાંધીધામ એલ.સી.બી.એ બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે દારૂના મોટા જથ્થા સાથે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રથમ ઘટનામાં, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા અને પી.એસ.આઇ. ડી.જી. પટેલની આગેવાનીમાં ટીમે મચ્છુનગર પુલ નીચે સર્વિસ રોડ પર ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન સફેદ રંગની ક્રેટા કાર અને એક બલેનો કારને રોકી તપાસ કરતાં તેમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું બહાર આવ્યું. પોલીસે વિકાસ ભંવરલાલ બિશ્નોઈ (ઉંમર 24, રહે. ઝાલોર – રાજસ્થાન), રામનિવાસ સોહનલાલ બિશ્નોઈ (ઉંમર 23, રહે. ઝાલોર – રાજસ્થાન) અને વિનોદ ઉર્ફે વિનુ બુધાભાઈ ફફલ (ઉંમર 25, રહે. ગાંધીધામ)ને ઝડપી પાડ્યા, જ્યારે નરેશ ઉર્ફે નરેન્દ્ર ડાલુરામ બિશ્નોઈ (ઝાલોર – રાજસ્થાન) હાજર મળ્યો ન હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 1500 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 6,23,520), 192 બિયર ટીન (રૂ. 42,240), ક્રેટા કાર, નંબર પ્લેટ વગરની બલેનો કાર, રોકડા રૂ. 250 અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 23,02,010નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને વધુ કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
બીજી ઘટનામાં, એલ.સી.બી.ને મળેલી ચોક્કસ બાતમી આધારે પડાણા ગામમાં મનુભા વિઠુભા વાઘેલા (ઉંમર 37, રહે. મકાન નં. 66, હરીઓમનગર, પડાણા)ના રહેણાંક મકાન પર છાપો મારવામાં આવ્યો.

તપાસ દરમિયાન મકાનમાંથી 750 એમ.એલ.ની 58 બોટલ વિદેશી દારૂ (રૂ. 89,000) અને 500 એમ.એલ.ના 93 બિયર ટીન (રૂ. 16,060) મળી કુલ રૂ. 1,05,060નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી મનુભા વાઘેલાને ઝડપી વધુ કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.