ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમીનના ઊંચા ભાવોને કારણે ભૂમાફિયાઓ અંજાર તાલુકામાં સક્રિય થયા છે. તાજેતરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરસામેડી ગામની કિંમતી જમીન તેના મૃતક માલિકને જીવતો દર્શાવીને બારોબાર વેચી દેવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા સાત લોકો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ કિસ્સો અંજારના વરસામેડી ગામના સર્વે નંબર ૬૪૨ની જમીનનો છે. આ જમીનના મૂળ માલિક શામજીભાઈ શિવજીભાઈ ચાચાણીનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું છે. તેમ છતાં, ગયા મહિને કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતે શામજીભાઈ હોવાનો ઢોંગ કરીને મહેશ શંકર ચંદ્રા નામના શખ્સને આ જમીનની પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) આપી હતી.
ત્યારબાદ મહેશે આ જમીન ધાણેટીના પચાણ સુરા રબારીને ₹૯૯ લાખમાં વેચી દીધી હતી. વેચાણનો દસ્તાવેજ પણ બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં પાવર ઓફ એટર્નીમાં અઝીઝ અફીઝ સૈયદ અને રાજુ અમરશી બારોટ સાક્ષી બન્યા હતા, જ્યારે વેચાણ દસ્તાવેજમાં સુલતાન અભુભકર ખલીફા અને દિનમામદ કાસમા રાયમા સાક્ષી તરીકે સહીઓ કરી હતી.
આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ રણવીરસિંહ ઝાલાએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શામજીભાઈ તરીકે ઢોંગ કરનાર અજાણ્યા શખ્સ સહિત મહેશ શંકર ચંદ્રા, અફીઝ સૈયદ, રાજુ અમરશી બારોટ, પચાણ સુરા રબારી, દિનમામદ કાસમ રાયમા અને સુલતાન અભુભકર ખલીફા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જમીનની માલિકી અંગે ૨૦૦૮થી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.