ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ક્યારેક પ્રેમમાં, ક્યારેક નોકરીમાં, તો ક્યારેક સરકારી પદ પર બેઠેલા લોકો પણ વિશ્વાસઘાત કરતા ખચકાતા નથી. તાજેતરમાં ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં આવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે, જેણે સમાજમાં ભરોસા પર સવાલ ઉભા કર્યા છે. આ કિસ્સાઓમાં પ્રેમીએ યુવતી સાથે છેતરપિંડી કરી, ડ્રાઈવરે શેઠના પૈસા ઉઠાવી લીધા અને પોસ્ટ માસ્ટરે લોકોની બચતના પૈસા વાપરી નાખ્યા.
ગાંધીધામમાં યુવતી સાથે છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધાયો
This Article Includes
શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં એક યુવતી સાથે છેતરપિંડી અને ધમકી આપવાના મામલે એક યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી રાહુલ નારણ પાતારિયાએ યુવતીને સગાઈના બહાને તેની પાસેથી રોકડ, દાગીના અને લોન કરાવી આશરે 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.
યુવતી જ્યારે કાસેઝમાં નોકરી કરતી હતી, ત્યારે રાહુલ સાથે તેની ઓળખાણ થઈ હતી. બાદમાં રાહુલે યુવતી પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું અને તેના મોબાઈલનો ઉપયોગ કરીને જુદી જુદી એપ થકી યુવતીના નામે લોન પણ લીધી હતી. આ પૈસા તેણે પોતે રાખી લીધા અને યુવતીના પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપી.
પછીથી તેમની સગાઈ થઈ. એક દિવસ જ્યારે યુવતીના પરિવારજનો બહાર હતા, ત્યારે રાહુલ યુવતીના ઘરે આવ્યો અને તેના પર લેણું હોવાનું જણાવી ધમકી આપી કે જો તેને પૈસા અને દાગીના નહીં મળે તો તે પંખા પર લટકી જશે. આ ધમકીથી ડરીને યુવતીએ તેને રૂ. 1,50,000 રોકડા અને સોનાના દાગીના આપ્યા હતા. રાહુલે 10 દિવસમાં બધું પરત આપવાનું વચન આપ્યું, પરંતુ તે પાછો ન આવ્યો. જ્યારે યુવતીએ તેને આ અંગે પૂછ્યું, ત્યારે તેણે ગાળાગાળી કરી. 22 જૂન, 2024ના રોજ રાહુલે યુવતીના ઘરે જઈને તેની સાથે મારામારી પણ કરી હતી. આખરે, યુવતીએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આદિપુરમાં ડ્રાઇવર સામે 6.93 લાખની છેતરપિંડીની ફરિયાદ
આદિપુરમાં એક ડ્રાઇવરે પોતાના શેઠ પાસેથી લગ્ન માટે લીધેલા પૈસા પરત ન આપતાં તેની સામે રૂપિયા 6,93,000ની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આદિપુર વોર્ડ-3એમાં રહેતા અને રાધેક્રિષ્ના બિલ્ડર્સ તથા રાધેક્રિષ્ના એન્જિનીયરિંગ નામની કન્સ્ટ્રક્શન પેઢી ચલાવતા સુનીલ મોહન હડિયાએ આ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી સુનીલભાઈ પાસે રાજસ્થાનનો રામસિંઘ શેતાનસિંઘ ભાટી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. રામસિંઘને લગ્ન માટે 7 લાખ રૂપિયાની જરૂર પડતાં સુનીલભાઈએ તેને બે ચેક થકી રૂ. 6,93,000 આપ્યા હતા. લગ્ન પછી રામસિંઘે એકાદ મહિનો નોકરી કરી અને પછી નાસી ગયો. સુનીલભાઈએ વારંવાર ફોન કરવા છતાં તેણે ફોન ઉપાડ્યો નહીં અને પૈસા પણ પરત ન આપતા, આખરે તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
બુઢારમોરાના પોસ્ટ માસ્ટરે સરકારી નાણાંની ઉચાપત કરી
અંજારના બુઢારમોરા ગામમાં એક બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે 19 લોકોના પૈસાની ઉચાપત કરતા તેની સામે રૂ. 92,084ની સરકારી નાણાંની ઉચાપતનો ગુનો નોંધાયો છે. ભુજ ખાતે ભારતીય પોસ્ટ વિભાગ ઈસ્ટ સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર ભરતસિંહ હેમુભા જાડેજાએ દુધઈ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.
બુઢારમોરાના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર નીલ કમલેશ લેઉઆએ 19 લોકો પાસેથી બચત અને વીમા યોજનાના માસિક હપ્તાના પૈસા લીધા હતા. તેણે ગ્રાહકોની બુકમાં એન્ટ્રી પણ કરી, પરંતુ આ રકમ સરકારી ચોપડે જમા કરાવવાને બદલે પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખી. આ બનાવ 9 જૂન, 2023 થી 20 જુલાઈ, 2024 દરમિયાન બન્યો હતો.
પોસ્ટ વિભાગની આંતરિક તપાસ દરમિયાન આ ઉચાપત બહાર આવી હતી. તપાસના પગલે, આ કર્મચારીને શરૂઆતમાં ફરજ મોકૂફ કરવામાં આવ્યો અને પછી કાયમી ધોરણે ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, આરોપી કર્મચારીએ ઉચાપત કરેલા પૈસા પોસ્ટ વિભાગમાં પરત જમા કરાવી દીધા હતા. પોલીસે આ સરકારી કર્મચારી સામે રૂ. 92,084ની ઉચાપતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.