ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મેઘપર બોરીચીની જૂની શિવધારા સોસાયટીમાં આ વર્ષે પાંચ દિવસીય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો, જેમાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન અને શ્લોકો સાથે ભગવાન ગણેશની ભક્તિભાવથી પૂજા કરી હતી.
આ વર્ષે યુવાનોએ ખાસ કરીને પર્યાવરણ-અનુકૂળ (ઈકો-ફ્રેન્ડલી) ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી હતી. પાંચમા દિવસે, ગણેશ સ્થાપનના વિદાય સમારંભમાં, ભાવિકોએ વાજતે-ગાજતે આખી સોસાયટીની પરિક્રમા કરી હતી. ત્યારબાદ, મૂર્તિનું વિસર્જન સોસાયટીના જ સાર્વજનિક પ્લોટમાં ખાસ બનાવેલા પાણીના કુંડમાં કરવામાં આવ્યું હતું, જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.
આ કાર્યક્રમના અંતે, સોસાયટીના તમામ સભ્યો માટે ભજીયાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લીધો હતો. સોસાયટી ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યોએ સુંદર આયોજન પાર પાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિવધારા સોસાયટીએ એક યાદીમાં જણાવ્યું હતું કે આ વર્ષે તેઓ નવરાત્રી ઉત્સવ પણ એટલા જ જોશ સાથે ઉજવવા માટે ઉત્સાહી છે.