ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર-ગળપાદર ધોરીમાર્ગ નજીક આવેલા એક વર્કશોપ પર લોકલ પોલીસે રેડ કરતા રૂ. 3,92,000ના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. આ પદાર્થ ક્યાંથી આવ્યો, કોણે પૂરું પાડ્યો અને કયારથી આ ધંધો ચાલુ છે તે હજી બહાર આવ્યું નથી.
માહિતી મુજબ, ગુરુનાનક એન્ટરપ્રાઈઝ નામના વર્કશોપમાં પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યા ભાડે લઈ વાહનોનું મેઈન્ટેનન્સ કામ કરતો હરપ્રિતસિંહ અમરીકસિંઘ ચહલ (જટ), નિવાસી ગોલ્ડન પાર્ક મેઘપર બોરીચી,ને પોલીસે કાબૂમાં લીધો હતો.
વર્કશોપમાંથી પ્લાસ્ટિકની 2000 લિટર અને 500 લિટરની ક્ષમતાવાળી ટાંકી, ડિજિટલ નોઝલ તથા 29,000 લિટરની ક્ષમતા ધરાવતો લોખંડનો ટાંકો મળી આવ્યો હતો. આમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ વાહનોમાં ઈંધણ તરીકે ભરી આપવામાં આવતો હતો.
સરકારી નિયમો, લાયસન્સ તથા સુરક્ષા સાધનો વિના ચાલતા આ ગેરકાયદેસર ધંધા અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ પદાર્થ કોની પાસેથી આવ્યો હતો અને ક્યારે થી વેચાતો હતો તે અંગેની તપાસ ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પૂર્વ કચ્છમાં આવા વાડાઓ હજી પણ ચાલી રહ્યા છે. અગાઉ ભીમાસર, ગળપાદર અને પડાણા વિસ્તારમાં પણ આવા કેસોમાં માલ પકડાયો હોવા છતાં પૃથકકરણ રિપોર્ટના આધારે આગળ કોઈ કડક કાર્યવાહી થઈ નથી