ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ભચાઉમાં અતિ શરમજનક અને સમાજ માટે લાલબત્તી સમાન બનાવ બનવા પામ્યો છે. જેમાં 57 વર્ષીય આધેડ સ્કુલ રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં આવતી માસૂમ બાળકી સાથે દુષ્કર્મના ઇરાદે વિકૃત અડપલા કર્યા હોવાનું ભોગ બનનાર બાળકીના પિતાએ ભચાઉ પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

આ બાબતે ભચાઉ પોલીસ મથકેથી ભોગ બનનાર બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે આપેલી વિગતો મુજબ, તેમની માસુમ દિકરી ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સ્કુલ રિક્ષા ચાલક અરવિંદ ઉર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદીની રિક્ષામાં શાળા જતી આવતી હતી. આરોપી અરવિંદ છેલ્લાં એક અઠવાડિયાથી માસૂમ બાળકીને શાળાએ લેવા મૂકવા જતી વખતે રસ્તામાં દુષ્કર્મના ઇરાદે વિકૃત શારીરિક અડપલાં કરતો હોવાનું દીકરીએ માતા પિતાને જણાવતાં આ મામલો બહાર આવ્યો હતો.
ભચાઉ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો તળે તેની સામે ગુનો નોંધ્યો હતો. આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક હવસખોર સ્કુલ રિક્ષા ચાલક આરોપી અરવિંદને પકડી પણ લીધો છે. આ ઘટનામાં પીઆઇ એસ.ડી.સિસોદિયાએ આગળની તપાસ હાથ ધરી છે. પોતાના માસૂમ સંતાનોને કંઇ પણ જાણ્યા વગર આવા રિક્ષા ચાલકો સાથે મુકતા વાલીઓ માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.