ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. આ કાર્યવાહી વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા એક કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ કોર્ટની સુનાવણીમાં વારંવાર ગેરહાજર રહ્યા હોવાથી કોર્ટે આ કડક પગલું ભર્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ 2018માં હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. આ આંદોલન દરમિયાન નોંધાયેલા ગુનામાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલને આરોપી બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં ધરપકડ વોરન્ટ ઇશ્યૂ થઈ ચૂક્યા છે.
કોર્ટના આદેશ બાદ હવે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.