ગાંધીધામ-કંડલા રોડ પર ખાડા રાજ: અકસ્માતો અને ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રાહિમામ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશના અગ્રણી દીન દયાલ પોર્ટ અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય પ્રવેશદ્વારને જોડતો ગાંધીધામ-કંડલા રોડ હાલ મસમોટા ખાડાઓને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી આ માર્ગ પરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં ઠેર ઠેર અકસ્સાતો અને વાહનોના બ્રેકડાઉન થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે.

આ માર્ગ પરથી દરરોજ ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, ગેસ, કેમિકલ્સના ટેન્કરો, કન્ટેનરો, મીઠાની લોરીઓ અને ટ્રેલરો જેવા ભારે વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. પરંતુ રોડની બિસ્માર હાલત અને મસમોટા ખાડાઓને કારણે અનેક વાહનો ફસાઈ જાય છે, પલટી મારી જાય છે, અથવા તો તૂટી જાય છે. પરિણામે, ટ્રાફિકનો પ્રવાહ સંપૂર્ણપણે થંભી જાય છે અને વાહનોની લાંબી કતારો કિલોમીટરો સુધી જોવા મળે છે.

Advertisements

આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી શકાતું નથી, અને પોર્ટના કારોબાર પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. સ્થાનિકો અને ઉદ્યોગ જગત દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ ઉગ્ર બની છે. જો આ સમસ્યાનું ત્વરિત નિવારણ નહીં આવે તો આગામી સમયમાં મોટા અકસ્માતો સર્જાવાની અને પોર્ટના કામકાજને ગંભીર અસર થવાની શક્યતા છે.

ટ્રાફિક જામની સમસ્યામાં TRB જવાનોની મહેનત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) અને દીનદયાળ પોર્ટ તરફ જતા માર્ગ પર દૈનિક ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે, ત્યારે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે.

આ વિસ્તારમાં ટેન્કરો, કન્ટેનરો, અને ટ્રકોની ભારે અવરજવરને કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં, TRBના જવાનો દિવસ-રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ કલાકો સુધી રસ્તા પર ઊભા રહીને વાહનોને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરે છે, જેથી ટ્રાફિક સરળતાથી આગળ વધી શકે.

ભારે ગરમી, ધૂળ અને પ્રદૂષણ વચ્ચે પણ આ જવાનો ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. તેમની મહેનતથી ટ્રાફિકની ગતિ થોડી ધીમી હોવા છતાં, તે સંપૂર્ણપણે અટકી જતી નથી. જો કે, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ અને આરટીઓ વિભાગની મદદ જરૂરી છે. તેમ છતાં, TRBના જવાનોની કામગીરી પ્રશંસનીય છે અને ટ્રાફિકને નિયંત્રિત કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્વનો છે.

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાસે ટ્રાફિક જામની સમસ્યા, વાહનચાલકો પરેશાન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામથી પોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) તરફ આવતો-જતો માર્ગ વાહનચાલકો અને નિયમિત મુસાફરી કરતા લોકો માટે દૈનિક માથાનો દુખાવો બની રહ્યો છે. માનવતા ગ્રુપ દ્વારા એક અખબારી અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.

માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ જણાવ્યું કે, “દેશના પ્રથમ ક્રમાંકના અને આયાત-નિકાસમાં ઉચ્ચ લક્ષ્યાંક હાંસલ કરનાર દીનદયાળ પોર્ટ અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય દ્વાર નજીક ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, ગેસ, કેમિકલ્સના ટેન્કરો, કન્ટેનરો અને મીઠાની લારીઓ તેમજ ટ્રેલરોના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.”

તેમણે ઉમેર્યું કે, ક્યારેક એક કલાકથી પણ વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેવાથી પોર્ટ તરફ જતાં અને આવતા વાહનો, KASEZ માં પ્રવેશતા અને બહાર નીકળતા કન્ટેનરો, અને આદિપુરથી કિડાણા તેમજ તુણા બાયપાસથી નીકળતા વાહનો અટવાઈ જાય છે. આના કારણે મારામારીના બનાવો પણ સામાન્ય થઈ ગયા છે, અને ક્યારેક મોટી જાનહાનિ પણ થઈ શકે છે.

દૈનિક ટ્રાફિક જામના કારણે પોર્ટ પર સમયસર વાહનો પહોંચી શકતા નથી, જેનાથી શિપના ડેમરેજમાં વધારો થાય છે. આ ઉપરાંત, દરેક વાહનનું કિંમતી ડીઝલ અને પેટ્રોલનો પણ વ્યય થવાથી ટ્રાન્સપોર્ટરોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

Advertisements

શ્રી દનીચાએ સૂચવ્યું કે, આ મુખ્ય કેન્દ્રબિંદુ પર પોલીસ અને આર.ટી.ઓ. વિભાગની સતત હાજરી રહે તો ટ્રાફિક જામની આ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. આ પગલાંથી સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટરો બંનેને મોટી રાહત મળશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment