ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20 Petrol)ને લઈને સોશિયલ મીડિયા પર માઇલેજ ઘટવાના અને વાહનને નુકસાન થવાના દાવાઓ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, આ રાજનીતિથી પ્રેરિત અને પૈસા ચૂકવી ચલાવવામાં આવેલી ઝુંબેશ હતી, હકીકતમાં આજદિન સુધી ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલના કારણે કોઈ મોટી સમસ્યા સામે આવી નથી.
દિલ્હીમાં યોજાયેલા સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 65મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ જણાવ્યું કે, “હું સોશિયલ મીડિયા પર પેઇડ પોલિટિકલ કેમ્પેઇનનો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ અંગે સોશિયલ મીડિયા પર જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તે વધારેલા રૂપમાં રજૂ કરવામાં આવી છે.”
ઈથેનોલ મિશ્રિત ફ્યુલને નિયમનકારી સંસ્થાઓનો આધાર
This Article Includes
ગડકરીએ જણાવ્યું કે ઈથેનોલ મિશ્રિત ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને ARAI (Automotive Research Association of India) તથા સુપ્રીમ કોર્ટનું સમર્થન પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ રાજકીય હેતુસર પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે વાસ્તવિકતા પર આધારિત નથી.
સોશિયલ મીડિયા પર ઉઠતી શંકાઓ
ઘણા યુઝર્સ અને વાહનચાલકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, E20 પેટ્રોલના ઉપયોગથી માઇલેજમાં ઘટાડો થાય છે અને ખાસ કરીને 2023 પહેલાં બનાવાયેલા વાહનો તેના માટે ટેક્નિકલી તૈયાર નથી. લોકલ સર્કિલના એક સર્વે અનુસાર, આશરે 44 ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને સમર્થન આપતા નથી.
પેટ્રોલિયમ મંત્રાલયની સ્પષ્ટતા
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે પણ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનામાં ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે.
- E10 માટે ડિઝાઇન તથા E20 માટે કેલિબ્રેટ કરાયેલા ફોર વ્હિલર્સમાં આશરે 1-2 ટકા માઇલેજ ઘટાડો થાય છે.
- અન્ય વાહનોમાં 3-6 ટકાનો ઘટાડો જોવા મળે છે.
ગડકરીએ અંતે સ્પષ્ટ કર્યું કે, ઈથેનોલ મિશ્રિત ફ્યુલ દેશના ભવિષ્ય માટે જરૂરી છે, કારણ કે તે આયાત પર આધારિત પેટ્રોલિયમમાં ઘટાડો કરે છે અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે.