ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પંજાબમાં આવેલા ભયાનક પૂરથી સર્જાયેલી પરિસ્થિતિએ હજારો પરિવારોને મુશ્કેલીમાં ધકેલી દીધા છે. આવી માનવસર્જિત આપત્તિના સમયમાં ગુજરાત સરકારે ફરી એકવાર માનવતાનો ધર્મ નિભાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરિયાતની મોટી મદદ મોકલી છે.

11 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને લીલીઝંડી આપી. આ ટ્રેન સીધી પંજાબમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચશે. સાથે જ ગુજરાત સરકારે પંજાબ સરકારને 5 કરોડ રૂપિયાનો પૂર રાહતનો ચેક પણ આપ્યો છે, જેથી તાત્કાલિક કામગીરી અને પુનઃસ્થાપનના પ્રયત્નોને ગતિ મળે.
પૂરગ્રસ્તો માટે આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા
This Article Includes
આ રાહત સામગ્રીમાં ખાદ્ય પેકેટ્સ, ચોખા, દાળ, બટાટા, ડુંગળી જેવી અન્નવસ્તુઓ, દવાઓ, કપડાં, દૂધ ઉત્પાદનો સહિત રોજિંદા જીવનમાં ઉપયોગી 20 જેટલી જરૂરી ચીજવસ્તુઓ સામેલ કરવામાં આવી છે. તેમાં 12 મુખ્ય આઇટમ છે, જે પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવામાં સહાયક બનશે.

રેલવે DRM વેદપ્રકાશે જણાવ્યું કે આ ખાસ ટ્રેનમાં શરૂઆતમાં 20 વેગનમાં રાહત સામગ્રી લોડ કરવામાં આવી છે, જ્યારે આગળ 2 વધુ વેગન જોડાશે. અંદાજે 700 ટનથી વધુ સામગ્રી આ ટ્રેનમાં સામેલ છે. આ સામગ્રી હજારો પરિવારોને તાત્કાલિક મદદરૂપ બનશે.
સરકાર અને ભાજપે મળી પૂરી કરી જવાબદારી
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ટ્રેનમાં 11 વેગન ગુજરાત સરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 વેગન ભાજપ પ્રદેશ સંગઠન અને ભાજપના કાર્યકર્તાઓએ સહકાર આપી પૂરા કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા હંમેશાં દેશના કોઈપણ ખૂણામાં આફત આવે ત્યારે મદદ માટે આગળ આવે છે. “આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબના ભાઈઓ અને બહેનોને ઘઉંથી માંડી કપડાં સુધીની જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે મોટી મદદ મોકલી છે,” એમ તેમણે ઉમેર્યું.
ગુજરાતની સંવેદનશીલતા અને ભાઈચારો
ગુજરાત સરકારે કરેલી આ સહાય દેશના પ્રત્યેક રાજ્ય પ્રત્યેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે. પૂરગ્રસ્ત પંજાબના પરિવારોને ઝડપથી મદદ મળે એ હેતુસર ગુજરાત સરકારે જે ઝડપથી આયોજન કરી તાત્કાલિક સામગ્રી મોકલી છે તે પ્રશંસનીય છે. આ પહેલ માત્ર એક રાજ્યની નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની એકતા અને સહકારની સાબિતી છે.