ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય બજારમાં રોડ અને આર્કેડ પરના દબાણો દૂર કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. ફેબ્રુઆરીમાં નોટિસ અપાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં, મનપાએ શુક્રવારે વેપારીઓ સાથે જનસુનાવણીનું આયોજન કર્યું હતું, જેમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે આગામી બે દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવી લેવામાં આવે. જો તેમ નહીં થાય તો સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે.
વેપારીઓની દિવાળી સુધીની માંગણી નામંજૂર
જનસુનાવણીમાં ચાવલા ચોક વેપારી એસોસિએશનના નેજા હેઠળ વેપારીઓએ મનપા કમિશનર મનીષ ગુરવાનીને મળીને દબાણ હટાવવા માટે દિવાળી સુધીનો સમય માગ્યો હતો. પરંતુ કમિશનરે આ વિનંતીને નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે શહેરના હિતમાં આ કામગીરી કરવી જરૂરી છે અને વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવીને મનપાના સમય, માનવબળ અને ખર્ચ બચાવવા જોઈએ. આનાથી બચેલા સંસાધનોનો ઉપયોગ અન્ય વિકાસ કાર્યોમાં થઈ શકે.
દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે
ગાંધીધામના સરદાર પટેલની પ્રતિમાથી લઈને શિકારપુર સુધીના મુખ્ય માર્ગ પરના દબાણો હટાવવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. મુખ્ય બજારમાં આર્કેડ અને પાછળની ગલીઓમાં દબાણ દૂર થતાં પાર્કિંગની વ્યવસ્થા પણ સુધરશે. આ માટે પોલીસે પણ દબાણ હટાવવાની કામગીરીમાં સહયોગ આપવા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે ભવિષ્યમાં શહેરના નોર્થ વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી બાદ મોટાભાગના વેપારીઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સહમત થયા છે.