ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના ભીમાસર ગામ પાસે થયેલા યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની અંજાર પોલીસે ધરપકડ કરી છે.
શું હતો બનાવ?
૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે ૩૨ વર્ષીય અરુણકુમાર દેવ શાહુનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા. આ ઘટનાની જાણ થતા જ અંજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
પ્રેમ સંબંધ અને હત્યાનું કાવતરું
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતક અરુણકુમાર જે હોટેલમાં કામ કરતો હતો તે જ હોટેલના માલિક હારાધન ફોનીભુશન ગરાઈને અરુણની પત્ની રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતો. અરુણને આ સંબંધની જાણ થતા જ રેખાએ તેના પતિને રસ્તા પરથી હટાવવા માટે પ્રેમી હારાધનને વાત કરી.
હારાધને તેના મિત્ર આનંદ દામજીભાઈ બારોટને આ કામની સોપારી આપી હતી અને કામ પૂરું થયા બાદ ૫ થી ૬ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આનંદે આ ગુનાને અંજામ આપવા માટે તેના મિત્રો ગોપાલ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટીને સાથે લીધા. આ ત્રણેય મિત્રોએ અરુણનો એકાંતમાં લાભ લઈ તેની હત્યા કરી નાખી.
પોલીસે કોને પકડ્યા?
અંજાર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે:
૧. રેખાબેન અરૂણભાઈ શાહુ: મૃતકની પત્ની.
૨. હારાધન ફોનીભુશન ગરાઈ: રેખાનો પ્રેમી અને હત્યાનો મુખ્ય સુત્રધાર.
૩. આનંદ દામજીભાઈ બારોટ: સોપારી લેનાર.
૪. ગોપાલ રામજીભાઈ બારોટ: હત્યામાં મદદગારી કરનાર.
૫. દિલીપ નાથાભાઈ ભટ્ટી: હત્યામાં મદદગારી કરનાર.
પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી છે. આ પ્રશંસનીય કામગીરી બદલ અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર. ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.