ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર) નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જનઆંદોલન રૂપ “સ્વચ્છતા હી સેવા–૨૦૨૫” અભિયાનની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ અભિયાનને “સ્વચ્છોત્સવ” તરીકે વિશાળ સ્તરે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અભિયાનની સમયસીમા અને આયોજન
This Article Includes
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન સમગ્ર દેશમાં વિશાળ પખવાડિયું યોજાશે. આ અભિયાન અંતર્ગત ગામથી લઈને શહેર સુધી સ્વચ્છતાની વ્યાપક કામગીરી હાથ ધરાશે. જેમાં વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચા, ફૂટપાથ, હાઇવે, પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ, ધાર્મિક તથા પ્રવાસન સ્થળો, નદી, તળાવ, સરકારી કચેરીઓ, શહેરના એન્ટ્રી પોઈન્ટ તેમજ જાહેર પ્રતિમાઓની વિશેષ સફાઈ ઝુંબેશ યોજાશે.

સાથે સાથે IEC પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ પણ ફેલાવવામાં આવશે. જેમાં “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શાળાઓ અને કોલેજોમાં ક્વિઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધા, નિબંધ-કવિતા, વોલ પેન્ટિંગ, વેસ્ટ-ટુ-આર્ટ ફેસ્ટ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ અને શેરી નાટક જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીધામ–આદિપુરમાં અભિયાનનો પ્રારંભ
આ અભિયાનનો પ્રારંભ આજ રોજ તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ વાગ્યે આદિપુર બસ સ્ટેન્ડ તથા આસપાસના વિસ્તારોમાં વિશાળ સફાઈ ઝુંબેશથી કરવામાં આવ્યો. આ પ્રસંગે માન. કમિશનર મનીષ ગુરવાની (ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન), ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માન. નાયબ કમિશનર મેહુલ દેસાઈ તથા સંજય રામાનુજ, સેનીટેશન વિભાગના કર્મચારીઓ, સફાઈ મિત્રો અને સફાઈ કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો અને કાર્યકર્તાઓ

સક્રિય રીતે જોડાયા હતા. આ અભિયાન દરમિયાન સફાઈ માટે લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી કે દરેક નાગરિક પોતપોતાના ઘર, ઓફિસ, દુકાન તથા આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખે અને આ રાષ્ટ્રીય ઝુંબેશને સફળ બનાવે.

લોકજાગૃતિ અને સહભાગીતા
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અવસરે જણાવ્યું કે, “સ્વચ્છતા માત્ર સરકાર કે સંસ્થાની જ જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનો ફરજ છે. આપણે સૌ મળીને સ્વચ્છતા જાળવીશું તો જ મહાત્મા ગાંધીજીનું ‘સ્વચ્છ અને સ્વસ્થ ભારત’નું સ્વપ્ન સાકાર થશે.”
સાથે સાથે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો તથા સ્થાનિક રહેવાસીઓએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવાનું સંકલ્પ વ્યક્ત કર્યું છે.