ગાંધીધામ ટુડે, ન્યૂઝ : નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે, જેમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. કોર્ટે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યો છે. આ આદેશ અમદાવાદ શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો.

હાઇકોર્ટના મુખ્ય નિર્દેશો અને ટિપ્પણીઓ
હાઇકોર્ટે નોંધ્યું કે નવરાત્રીનો તહેવાર નજીક છે અને આ સમયે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. અસુરક્ષિત ગતિવિધિઓ અટકાવવા માટે બ્લેક કાચવાળી ગાડીઓ સામે સખ્તાઈથી પગલાં લેવા અનિવાર્ય છે. આ ઉપરાંત, જે વાહનો પર નંબર પ્લેટ નથી, તેવા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પર કાર્યવાહી
કોર્ટમાં રજૂ થયેલા એફિડેવિટ મુજબ, 19 ઓક્ટોબરથી 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ પરના દબાણ અને ટ્રાફિક અંગે પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી છે. સરકારી વકીલ જી.એચ. વિર્કે કોર્ટને જાણકારી આપી કે એચ.એલ. કોલેજ, સેફ્ટ કોલેજ અને આઈ.આઈ.એમ. રોડ પરથી ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે પોલીસ કમિશનર દ્વારા પણ ટ્રાફિક અને પાર્કિંગ અંગે સૂચનો આપવામાં આવ્યા છે અને લોકોમાં પણ ટ્રાફિક સેન્સ વધી રહી છે. રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વાહનો સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
આગામી સુનાવણી
હાઇકોર્ટે ટ્રાફિક અને રોડ પરના દબાણને દૂર કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી છે. આ મામલે વધુ સુનાવણી હવે આગામી બુધવારે યોજાશે. આ પગલાંથી નવરાત્રી દરમિયાન શહેરના માર્ગો પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે તેવી અપેક્ષા છે, જેનાથી તહેવારની ઉજવણી સુરક્ષિત અને સરળ બની રહેશે.
ગરબા રમવા કાળા કાચની ગાડીમાં ગયા તો લોક વાગી જશે
અમદાવાદ પોલીસ પહેલી વખત ગરબાના પાર્કિગમાં કાળા કાચની કાર શોધીને લોક મારી દેશે. શહેરમાં ઠેર ઠેર ગરબાનાં આયોજન થયાં છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે. કાળા કાચની ગાડીને ત્યાં લોક કરીને કાર્યવાહી કરાશે.
ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટેનું કડક શબ્દોમાં સૂચન કરતાં પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. હાલ બ્લેક ફિલ્મ, નંબરપ્લેટ વગરનાં વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. હાઇકોર્ટની ટકોર બાદ પોલીસની આ ડ્રાઈવ નવરાત્રિના 10 દિવસ સુધી ચાલશે.
રેસિંગ કરવા નીકળેલા બાઇકર્સને રોકવા ખાસ ટીમ : હાઈકોર્ટે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક-પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા માટેની ટકોર કરી હતી. નવરાત્રિમાં કોઈ અનિચ્છનીય બનાવો બને નહિ એ માટે પોલીસ તેમજ તંત્ર એલર્ટ મોડ પર છે. ગરબાના સ્પોટ પર CCTV કેમેરા, ફાયર સેફ્ટી ફરજિયાત હોવાં જોઈએ એવા મહત્ત્વના નિર્ણયો પણ લેવાઈ ગયા છે. પોલીસ પણ તમામ રોડ-રસ્તાઓ પર બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. જ્યારે રેસિંગ કરવા માટે નીકળેલા બાઈકર્સને રોકવા માટે ખાસ ટીમ તૈયાર કરાઈ છે. પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
નવરાત્રિમાં પોલીસ મોડીરાત સુધી ડ્રાઈવ કરશે: ટ્રાફિકના જોઈન્ટ પો. કમિશનર : આ મામલે ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર એન.એન.ચૌધરીએ જણાવ્યુ હતું કે બ્લેક ફિલ્મ મામલે ડ્રાઈવ ચાલુ હતી, પરંતુ હાઈકોર્ટે સૂચન કર્યા બાદ હવે નવરાત્રિના સમયમાં પણ ડ્રાઈવ ચાલુ રહશે. નવરાત્રિમાં પોલીસ મોડીરાત સુધી ડ્રાઈવ કરશે. જો લોકો બ્લેક ફિલ્મવાળી ગાડી લઈને ગરબા રમવા જશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આ સિવાય જો કોઈ ચાલક પોલીસથી બચીને પણ ગરબાના સ્પોટ પર પહોચી ગયો તોપણ કાર્યવાહી કરવામાં આવશે.
‘ખેલૈયાઓની ગાડીઓની બ્લેક ફિલ્મ પણ ઉતારી દેવાશે’ : પોલીસની કેટલીક ટીમો ગરબાના સ્પોટ પર જશે અને પાર્કિંગમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તે કારને શોધી નાખશે અને ત્યાર બાદ લોક મારી દેશે. બ્લેક ફિલ્મવાળી ગાડી પાર્ક કરીને ખેલૈયા જ્યારે ગરબા રમવામાં તલ્લીન હશે ત્યારે પોલીસ તેની ગાડીને લોક મારી દીધું હશે. ખેલૈયાઓએ દંડ ભરીને લોક ખોલાવવું પડશે. આ સિવાય ખેલૈયાઓની ગાડીઓની બ્લેક ફિલ્મ પણ ઉતારી દેવાશે.