ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે નવરાત્રીને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના માન. કમિશનર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને આજે શહેરના અંદાજે ૨૦ જેટલા નવરાત્રી મંડળોના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ “ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી” થીમ અંતર્ગત નવરાત્રીનું આયોજન કરવાનો હતો. કમિશનરશ્રીએ આયોજકોને આ નવરાત્રી મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અને સલામતીના નિયમોનું કડકપણે પાલન કરવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
- કચરાપેટીઓની વ્યવસ્થા: દરેક ગરબા સ્થળ પર પૂરતી સંખ્યામાં કચરાપેટીઓ મૂકવી ફરજિયાત છે.
- ફાયર સેફટી: કોઈપણ અકસ્માતને ટાળવા માટે ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા ગોઠવવી.
- ખાદ્યપદાર્થનું લાઇસન્સ: ખાદ્યપદાર્થનું વેચાણ કરતા વિક્રેતાઓ પાસે યોગ્ય લાઇસન્સ હોવું જરૂરી છે.
- પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો: કાર્યક્રમ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો.
મહાનગરપાલિકા દ્વારા આયોજકો સાથે સંકલન કરીને કચરાના નિકાલની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
‘ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી’ સ્પર્ધા
આ પહેલને વધુ પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકાએ “ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી” સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે, જે ગરબા સ્થળોની મુલાકાત લઈ સ્વચ્છતા અને પ્લાસ્ટિક-મુક્ત વાતાવરણ જેવા મુદ્દાઓના આધારે મંડળોનું મૂલ્યાંકન કરશે.
જે મંડળને સૌથી વધુ માર્ક્સ મળશે, તેને મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા આયોજકોએ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ એક ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી, રૂમ નં. ૧૧ (પહેલા માળે) પરથી મેળવી શકાશે અને ભરેલું ફોર્મ તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે મોહનભાઈ આહિર (મોબાઈલ નંબર: ૯૭૧૨૩૬૮૧૧૧) નો સંપર્ક કરી શકાય છે. આ પહેલથી ગાંધીધામમાં નવરાત્રી ઉત્સવ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બની રહેશે.