છેલ્લા દસ દિવસથી વોલ્ટેજ અપડાઉનથી વીજ ઉપકરણો ઉડ્યા
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામમાં ગતરોજ મુખ્ય માર્કેટ સહિતના વિસ્તારોમાં ભારે વીજધાંધિયા જોવા મળ્યા હતા. મુખ્ય બજારના ઘણા લોકોએ કહ્યું છેલ્લા દસ દિવસથી વીજવોલ્ટેજમાં અપડાઉનના કારણે તેમના ઘણા વિજ ઉપકરણો બળી ગયા છે અને મોટુ નુકશાન પણ થયું છે, તો વીજતંત્રએ ગતરોજ આવેલી સમસ્યા અંગે ખિસકોલી અને પોપટનું ટીસીમાં ફસાઈ જવાનું કારણ જણાવ્યું હતું, તેમજ વીજ વોલ્ટેજ અંગે જેટકોથી થતા સપ્લાયને કારણભુત ગણાવ્યું હતું.
ગાંધીધામ ઔધોગિક વસાહત છે, જ્યાં ઈન્ટરનેટ અને વીજળીનો બહુમુલ ઉપયોગ થાય છે. તેના વીના શહેરની ઔધોગિક અને વેપારી ગતિવિધિ ઠપ્પ થઈ જાય છે. ત્યારે ગતરોજ આખો દિવસ વીજળીની આવ જા મુખ્ય માર્કેટમાં રહેવા પામી હતી. વેપારી રોહીત રામખીયાળીએ જણાવ્યું કે તેમની ગત વર્ષે એસી ખરાબ થઈ ગઈ હતી, આ વર્ષે પણ તેમના ઓળખીતાઓને આ સમસ્યા નડી છે. તો વીજતંત્રના સુત્રોએ જણાવ્યું કે વીજસમસ્યા જેમ આવી તે સાથેજ વીજતંત્ર સાબદુ થયું હતું અને 8 જમ્પર ઉતારીને ચેક કર્યા બાદ એક ખિસકોલી અને પોપટ ટીસીમાં આવી જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું ખુલ્યું હતું.

શહેરની મુખ્ય બજાર, વચલી બજાર માટે અલગથી ટીસી લગાવવાની વાત હતી, પરંતુ સુત્રોએ જણાવ્યું કે તે માટે યોગ્ય જગ્યા મળતી નથી અને જે અપાય છે તે યોગ્ય નથી. આ બધા વચ્ચે મામલો જજુમી રહ્યો છે. તો વેપારીઓએ જણાવ્યું કે વચલી બજારમાં દબાણો માટે નોટિસ અપાતા ઘણા હટ્યા પરંતુ વીજથાંભલાઓ જે વચ્ચે છે તે અંગે કોઇ કાર્યવાહી નથી થઈ રહી.