ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર ઓક્ટ્રોય ચોકી પાસે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયેલી નગરપાલિકાની જમીન પર હવે નવી પોલીસ ચોકી બનશે. આ ચોકીનું નિર્માણ અંદાજે ₹12 થી ₹15 લાખના ખર્ચે થશે, જેનું ખાતમુહૂર્ત પોલીસવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્ય પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા, જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે આવા તત્વોની યાદી બનાવી છે. અંજાર પોલીસે પણ આ વિસ્તારમાં નગરપાલિકાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો, જેમાં ઓરડી અને શેડનો સમાવેશ થાય છે, તેને હટાવ્યા હતા.

આ દબાણ હટાવ્યા બાદ, પોલીસે આ જમીન પર લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ ચોકી બનાવવા માટે નગરપાલિકામાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત મંજૂર થતા, હવે લોકોના સહકારથી અહીં ₹12 થી ₹15 લાખના ખર્ચે પોલીસ ચોકી અને બાઉન્ડ્રીનું નિર્માણ કરવામાં આવશે.

આજે પોલીસ વડા સાગર બાગમારે શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે અંજાર પાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, દંડક કલ્પનાબેન, શાસક પક્ષના નેતા નીલેશ ગોસ્વામી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીર, ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરી અને અંજાર પી.આઈ. એ.આર. ગોહિલ સહિતના અગ્રણીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.