ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરના રસ્તાઓની નબળી ગુણવત્તાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક રસ્તો બરાબર રિપેર થયો નથી ત્યાં તો બીજા રસ્તા પર મોટા ખાડા પડી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓનું તાજેતરમાં જ સમારકામ કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોનો આરોપ છે કે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ સત્તાધારી પક્ષના નગરસેવકો, કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. રસ્તાના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે. અબચુગ દ્વારા આ મામલે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે કમિશનના આ કારોબારને બંધ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત, ભવિષ્યમાં માત્ર સારું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને જ કામ સોંપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.
વધતી જતી આ સમસ્યાને કારણે વાહનચાલકોના વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તેમના વાહનોને નુકસાન થાય તો તેની જવાબદારી કોની? આથી, તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.