ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત સરકારએ આજે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 17 નવા તાલુકાની રચનાને મંજૂરી આપી છે. આ સાથે રાજ્યમાં કુલ તાલુકાની સંખ્યા વધીને 265 થઈ ગઈ છે. વહીવટને સરળ બનાવવા અને લોકો સુધી તાત્કાલિક સુવિધાઓ પહોંચાડવા માટે આ નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “નવા તાલુકા બનવાથી અંતરિયાળ વિસ્તારોના લોકોને નજીકમાં જ તાલુકા મથક મળશે, જેના પરિણામે સમય, ખર્ચ અને શક્તિની બચત થશે. સાથે જ આરોગ્ય, શિક્ષણ અને અન્ય વહીવટી સેવાઓ વધુ સુલભ બનશે.”
કેબિનેટે સાથે સાથે વાવ-થરાદ નામના નવા જિલ્લામાં પણ મંજૂરી આપી છે, જેમાં બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા તાલુકાઓની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ATVT – ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ વિઝનની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. 2013 પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં નવા તાલુકા રચાયા છે.
નવા તાલુકાની યાદી (હાલના તાલુકામાંથી રચાયેલા)
- થરાદ → રાહ
- સોનગઢ → ઉકાઈ
- માંડવી → અરેઠ
- મહુવા → અંબિકા
- કાંકરેજ → ઓગડ
- વાવ → ધરણીધર
- ઝાલોદ → ગુરુ ગોવિંદ લીંબડી
- જેતપુર પાવી → કદવાલ
- કપડવંજ, કઠલાલ → ફાગવેલ
- ભિલોડા → શામળાજી
- બાયડ → સાઠંબા
- સંતરામપુર, શહેરા → ગોધર
- લુણાવાડા → કોઠંબા
- દેડિયાપાડા → ચીકદા
- વાપી, કપરાડા, પારડી → નાનાપોઢા
- દાતા → હડાદ
નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેનો સમાવેશ થવાનો છે. વર્ષોથી ચાલી આવતી માંગણી સંતોષવા માટે સરકારનું આ પગલું વહીવટી સુધારા તરફનું મહત્વનું પગથિયું માનવામાં આવી રહ્યું છે.