ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસ લાઇન, આદિપુર ખાતે નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાતી ગરબાઓના સથવારે ૧૧૦૦ દિવડાની મહાઆરતી કરીને શક્તિની આરાધના કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર પોલીસ લાઇન પરિસર ભક્તિમય અને દિવ્ય જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે અનેક મહાનુભાવો અને પદાધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમાર સાહેબ અને ડીવાયએસપી ડી.આર ભાટીયા સાહેબ સહિત અન્ય તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી અને રાજકીય અગ્રણીઓની વાત કરીએ તો, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જીલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય, સંગઠન પ્રમુખ વિજયભાઈ પરમાર સહિત ગાંધીધામ શહેરના તમામ હોદ્દેદારો, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

આદિપુર પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવારના સભ્યો, સામાજિક અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓની એકસાથે ઉપસ્થિતિએ આ નવરાત્રિ મહોત્સવને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.