ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર અને અંજાર પંથકમાં ચીલઝડપ અને બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપતી ‘ચીખલીગર ગેંગ’ના બે સક્રિય સભ્યોને પૂર્વ કચ્છ એલ.સી.બી. અને આદિપુર પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાજાસિંઘ નારસિંઘ બાધા (સરદાર) અને રામજાનેસિંઘ નારસિંઘ બાધા (સરદાર) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી GJ 12 BQ 0526 નંબરનું ચોરાઉ બાઇક, સોનાની બે ચેન, રોકડ રકમ અને એક મોબાઇલ જપ્ત કર્યો છે.
આ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસને આ આરોપીઓ પાસેથી આદિપુરના ચાર, અંજારના બે અને માધાપરના એક સહિત કુલ સાત ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
પોલીસના જણાવ્યા મુજબ, રાજાસિંઘ સામે અગાઉ ગાંધીધામ એ-બી, રાધનપુર, જૂનાગઢ, ચોટીલા, મોરબી, બોટાદ, અંજાર, મુંદરા, રાજકોટ, વડનગર સહિત વિવિધ સ્થળોએ 16 જેટલા જુદા-જુદા ગુના નોંધાયેલા છે. જ્યારે તેના સાગરીત રામજાનેસિંઘ સામે મહેસાણા, બનાસકાંઠા અને મોરબીમાં છ જેટલા ગુના નોંધાયેલા છે.
પોલીસે હવે આ રીઢા આરોપીઓની વધુ સઘન તપાસ હાથ ધરી છે, જેથી તેમણે અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ અને તેમની ટોળકીમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણી શકાય.