ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (SRC)ની ડાયરેકટર પદની ચૂંટણીમાં ભારે વિવાદ અને ગેરરીતિના આક્ષેપોને પગલે ચૂંટણી પ્રક્રિયા મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે.
તા. 24મીના યોજાયેલી બેઠકમાં સભાસદોના દસ્તાવેજોમાં ગેરરીતિ અને મતપત્રોમાં ક્રમાંક બદલાઈ ગયા હોવાના આક્ષેપો સ્વતંત્ર ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. આ વિવાદ એટલો વકર્યો કે ચૂંટણી અધિકારીએ રાજીનામું આપી દીધું અને મુંબઈની એજન્સીએ પણ ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે અસમર્થતા દર્શાવી દીધી હતી.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને SRC મેનેજમેન્ટે આવતીકાલથી (તા. 27મીથી) ત્રણ દિવસ સુધી યોજાનારું મતદાન અને તા. 29મીએ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે.
શું થશે આગળ?
SRC મેનેજમેન્ટ હવે રજીસ્ટ્રાર ઓફ કંપનીને પત્ર પાઠવીને નવી ચૂંટણીની તારીખ માટે એક મહિના સુધીની મુદત માંગશે. ઉમેદવારો એ જ રહેશે. મુલત્વી રાખેલી AGMની તારીખ, સમય અને સ્થળની જાણ મોડેલ કંપની એક્ટ 2013 અને સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડના ધોરણો મુજબ નોટિસ દ્વારા સભ્યોને કરવામાં આવશે. AGMમાં નાણાકીય વ્યવસાય સહિતની અન્ય તમામ વિગતો યથાવત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, SRCના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 8 ડાયરેકટર પદની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વિવાદને પગલે તે મુલત્વી રહી, જે બાબતને જાણકારો ઐતિહાસિક ગણાવી રહ્યા છે.