ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ટાગોર રોડ પર ગઈકાલે ક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જ્યાં એક નશામાં ધૂત કાર ચાલકે પોતાની BMW મોટરકાર બેફામ રીતે હંકારીને અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાને પગલે ટાગોર રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીધામના ટાગોર રોડ પર એક BMW કાર ચાલક પોતાની ગાડી આડી-અવળી અને પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. આ જોખમી ડ્રાઇવિંગને કારણે અન્ય વાહનચાલકોને અકસ્માત ટાળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.

પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતાં તેની ઓળખ મહેશભાઇ અરવીંદભાઈ જોષી (ઉ.વ.37) તરીકે થઈ હતી. પોલીસે તેની તબીબી તપાસ કરાવતાં તે કેફી પીણાની અસર તળે હોવાનું સ્પષ્ટ થયું હતું. એટલું જ નહીં, તેની પાસે દારૂ પીવાની કોઈ કાયદેસર પરમિટ પણ નહોતી.
પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપી મહેશભાઈ જોષીની ધરપકડ કરી હતી. પોલીસે ₹1 કરોડની કિંમતની તેની BMW કાર પણ કબજે કરી છે. આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટની કલમ 66(1)(બી) (કેફી પીણું પીવાની) અને એમ.વી. એક્ટની કલમ 185 (નશાની હાલતમાં વાહન ચલાવવાની) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નશામાં ધૂત વ્યક્તિ દ્વારા આવી મોંઘી કાર બેફામ રીતે હંકારીને જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકવાની આ ઘટનાએ ફરી એકવાર સલામતીના પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે કાયદાનું કડક પાલન કરી દાખલો બેસાડ્યો છે.