ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના ભુજમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગઠિયાએ પોતાને ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ અને પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાવી, નકલી ડિગ્રીઓના સહારે હોસ્પિટલ શરૂ કરી અને અનેક લોકોને બિઝનેસ પાર્ટનર બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ડૉક્ટર ઝૈનુલ અમીરઅલી કાજાણી (રહે. ધર્મનાથ એપાર્ટમેન્ટ, ભુજ) નામના આ શખ્સ સામે ભુજના એક વેપારીએ રૂ. ૧ કરોડ ૧૦ લાખ ૫૦ હજારના ફ્રોડની બીજી ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

બિઝનેસ પાર્ટનર બનાવવાનું કહીને રૂ. ૧.૧૦ કરોડથી વધુનો ચૂનો
This Article Includes
- 1 બિઝનેસ પાર્ટનર બનાવવાનું કહીને રૂ. ૧.૧૦ કરોડથી વધુનો ચૂનો
- 2 MDની ડિગ્રી અને ઓપરેશનના વીડિયોથી જમાવ્યો વિશ્વાસ
- 3 અગાઉ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ: લાખો રૂપિયા પડાવ્યાની લાલચ
- 4 અઢી કરોડની લોન પણ લેવાનો કર્યો હતો પ્રયાસ
- 5 હોસ્પિટલને તાળાં મારી ૮ માસથી ફરાર
- 6 અમદાવાદની ડૉક્ટરના પ્રમાણપત્રમાં ચેડાં કરીને પ્રેક્ટિસ કરતો
- 7 આટલી કલમો હેઠળ નોંધાઈ ફોજદારી
ભુજના મિરજાપરમાં રહેતા અને શિવાલિકા ગૃપના પ્રોપરાઈટર અંકિત અનુપગીરી ગોસ્વામીએ સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશન (બોર્ડર ઝોન, ભુજ) ખાતે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અંકિતે જણાવ્યું કે, લોકોના રાહત દરે સારવારના ઉમદા હેતુથી અને પોતાના ગૃપને યશ મળે તે માટે તે ઝૈનુલ સાથે બિઝનેસ પાર્ટનર તરીકે જોડાયા હતા.
ઝૈનુલે તેમને ભુજ શહેરના ઘનશ્યામનગર પાસે આવેલી હોસ્પિટલમાં પચાસ ટકાનો ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેની વાતો પર ભરોસો કરીને ફરિયાદીએ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ટુકડે ટુકડે રૂ. ૧.૧૦ કરોડથી વધુની રકમ આપી હતી. જોકે, આ રકમ લઈને નકલી ડૉક્ટર ઝૈનુલ ફરાર થઈ ગયો છે.
MDની ડિગ્રી અને ઓપરેશનના વીડિયોથી જમાવ્યો વિશ્વાસ
પ્રારંભિક પરિચય દરમિયાન ડૉ. ઝૈનુલ કાજાણીએ પોતે ઉત્તરાખંડમાંથી MDની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે પોતે કરેલાં વિવિધ ઓપરેશનના વીડિયો બતાવીને ફરિયાદી અંકિત ગોસ્વામીને વિશ્વાસમાં લીધા હતા. તેણે પોતાને ભારતના ટોપ હંડ્રેડ ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ પૈકીનો એક હોવાનો દાવો પણ કર્યો હતો. MD, MBBS, FICCM, CTCC જેવી આકર્ષક ડિગ્રીઓના લટકણિયાં લગાવીને આ ‘મિસ્ટર નટવરલાલ’ ડૉક્ટરે અનેક લોકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.
અગાઉ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ: લાખો રૂપિયા પડાવ્યાની લાલચ
ઝૈનુલે માત્ર અંકિત ગોસ્વામીને જ નહીં, પરંતુ ‘સારો નફો મળશે’ તેવી લાલચ આપીને ભચાઉના જાલમસિંહ બળવંતસિંહ જાડેજા, ભુજના અર્જુન અજાણી, હેમલ રામૈયા, લવ ઠક્કર, સંદિપ શાહ વગેરેને પણ બિઝનેસ પાર્ટનર બનાવીને તેમની પાસેથી લાખો રૂપિયા મેળવ્યાં છે. જાલમસિંહે તો ગત ૨૮-૦૨-૨૦૨૫ના રોજ ભચાઉ પોલીસ મથકે ઝૈનુલ વિરુધ્ધ રૂ. ૧૫ લાખના ફ્રોડની ફરિયાદ પણ નોંધાવી હતી.
અઢી કરોડની લોન પણ લેવાનો કર્યો હતો પ્રયાસ
નકલી ડૉક્ટરે હોસ્પિટલમાં સાધનસામગ્રી ખરીદવા માટે અઢી કરોડની જરૂરિયાત હોવાનું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. અંકિત ગોસ્વામીએ પોતાની પત્ની અને મિત્રોની જમીન તથા મિલકતો મોર્ગેજ કરાવીને BMCB બેન્કમાંથી રૂ. ૨.૫ કરોડની ઓવરડ્રાફ્ટ લોન ૨૧-૧૦-૨૦૨૪ના રોજ ઝૈનુલના નામે મંજૂર કરાવી હતી.
જોકે, લોનના નાણાં મળ્યા બાદ ઝૈનુલે શ્રી હેલ્થકેર સેલ્સ એન્ડ સર્વિસમાંથી રૂ. ૧૨ લાખની મશિનરી ખરીદી હતી, પરંતુ બાદમાં માતાની તબિયત ખરાબ હોવાનું બહાનુ આપીને ઓર્ડર કેન્સલ કરાવી દીધો હતો અને ૧૨ લાખ રૂપિયા પોતાના હોસ્પિટલના અન્ય બેન્ક ખાતામાં જમા કરાવી દીધા હતા. ફરિયાદીને શંકા જણાતાં સમજાવટ બાદ ઝૈનુલે લોનના બાકીના મોટાભાગના નાણાં સ્વેચ્છાએ પરત આપી દીધા હતા, જેથી અઢી કરોડની લોનનું મોટું નુકસાન થતાં બચી ગયું હતું.
હોસ્પિટલને તાળાં મારી ૮ માસથી ફરાર
ઝૈનુલે અનેક લોકોને છેતર્યા હોવાની જાણ થતાં અંકિત સહિતના પાર્ટનરોએ રૂપિયા પરત માગવાનું શરૂ કરેલું. તે સમયે ઝૈનુલે હોસ્પિટલ ચાલું રાખીને તેમાંથી તમામ રૂપિયા પરત આપી દેવાનો વાયદો કર્યો હતો. જોકે, ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી હોસ્પિટલને તાળાં મારીને આ ડૉક્ટર છેલ્લા ૮ મહિનાથી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.
અમદાવાદની ડૉક્ટરના પ્રમાણપત્રમાં ચેડાં કરીને પ્રેક્ટિસ કરતો
સીઆઈડીની તપાસમાં સામે આવ્યું છે કે આ ઊંટવૈદ્યે અમદાવાદની શ્રૃષ્ટિબેન નામની ડૉક્ટરે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવેલી નોંધણીમાં ચેડાં કરીને તેમાં પોતાનું નામ ઘૂસાડી દીધું હતું. ડૉક્ટર ન હોવા છતાં જાહેર જનઆરોગ્યને જોખમમાં મૂકાય તે રીતે તે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો.
આટલી કલમો હેઠળ નોંધાઈ ફોજદારી
નકલી ડૉક્ટર ઝૈનુલ કાજાણી સામે સીઆઈડીએ BNSની કલમ ૧૨૫ (જાહેર જનતાના જીવનને નુકસાન થાય અથવા કોઈનો જીવ જોખમમાં મૂકાય તેવું કૃત્ય), ૩૧૯ (તબીબ તરીકેની નકલી ઓળખ ધારણ કરવી), ૩૩૬ (૨) અને ૩૪૦ (૨) (છેતરપિંડીના હેતુથી નકલી પ્રમાણપત્રો બનાવવા અને તેનો ઉપયોગ કરવો), ૩૧૬ (૨) અને ૩૧૮ (૨) (ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી) કલમો હેઠળ ફરિયાદ રજિસ્ટર કરી છે. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક મનીષાબેન સવાભાઈ ગોહેલે આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.
ડૉક્ટરના સ્વાંગમાં કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થયેલા આ ગઠિયાને પકડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.