ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના સુપ્રસિદ્ધ અને લાખો માઈભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન માતાનામઢ ખાતે આજે ધાર્મિક આસ્થા અને પરંપરાના સમન્વય સમા પત્રી વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માં આશાપુરાના દરબારમાં આ વાર્ષિક વિધિ યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
કચ્છના રાજપરિવારે પત્રી વિધિ દ્વારા કર્યા પૂજન
This Article Includes
પૌરાણિક પરંપરા અનુસાર, માતાનામઢના મુખ્ય પૂજારી અને કચ્છના રાજપરિવારના સભ્યો દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. રાજવી પરિવારના વડિલોએ માં આશાપુરાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પત્રી અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર વિધિ રાજ્ય અને પ્રદેશની સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે કરવામાં આવે છે.
મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા, પ્રસાદ જીલી ધન્યતા અનુભવી
આ ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા માટે રાજ્યભરમાંથી અને પરદેશમાંથી પણ મોટી સંખ્યામાં માઇભક્તો સવારથી જ માતાનામઢ ખાતે ઉમટી પડ્યા હતા. રાજપરિવાર દ્વારા વિધિ સંપન્ન થયા બાદ માતાજીનો પ્રસાદ સૌ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો, જેને સૌ શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ પૂર્વક ઝીલીને ધન્યતા અનુભવી હતી. માઇભક્તોના આ અપાર ઘસારાને કારણે માતાનામઢની આસપાસના વિસ્તારમાં પણ ભક્તિની લહેર પ્રસરી ગઈ હતી.
સમગ્ર આયોજન દરમિયાન, મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માઇભક્તોની સુવિધા અને સલામતી જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.