કાસેઝ ગેટ સામે કરવત બતાવી ત્રણ દુકાનોમાં સરાજાહેર લૂંટ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઔદ્યોગિક શહેર ગાંધીધામના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના કાસેઝ (KASEZ) લાલ ગેટ સામે આવેલી દુકાનોમાં એક આરોપીએ સરાજાહેર ધારદાર કરવત (આરી) બતાવીને એક પછી એક ત્રણ દુકાનોને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં કુલ રૂપિયા ૧૧,૨૦૦/-ની લૂંટ થઈ હતી અને એક દુકાનદારને આરોપીના હુમલામાં ઇજા પહોંચી હતી.


લૂંટની ઘટના અને વિગતો

ફરિયાદી વેપારી વિજય મલિક (રહે. ગાંધીધામ)એ ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે ગની ચાવડા (રહે. કિડાણા) નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે ૮ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.

Advertisements

આરોપી ગની ચાવડા પોતાની મોટરસાયકલમાં ધારદાર હથિયાર ‘આરી’ લઈને કાસેઝના લાલ ગેટ સામે આવેલી દુકાનો પાસે આવ્યો હતો. તેણે સૌપ્રથમ બાજુમાં આવેલી શાકભાજીની દુકાનને નિશાન બનાવી.

૧. પ્રથમ લૂંટ (શાકભાજીની દુકાન): આરોપીએ દુકાન માલિક ગુણનિધિ મલિક પાસે જઈને આરી બતાવી ધમકી આપી કે, “જે પૈસા હોય તે આપી દે, નહીં તો આ કરવતથી જાનથી મારી નાખીશ.” ડરીને દુકાન માલિકે ગલ્લામાં રહેલા રૂપિયા ૪,૦૦૦/- રોકડા આપી દીધા હતા.

૨. બીજી લૂંટ (એવન પ્રોવિઝન સ્ટોર): ત્યાર બાદ આરોપી ફરિયાદી વિજય મલિકની રાશનની દુકાન (એવન પ્રોવિઝન સ્ટોર)માં ઘૂસ્યો હતો. ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ દુકાનનું શટર પાડી દીધું અને ગલ્લામાં રહેલા રૂપિયા ૭,૨૦૦/- લૂંટી લીધા હતા.

૩. હુમલો અને ઇજા (ઓમ ટી એન્ડ પ્રોવિઝન સ્ટોર): બે દુકાનોમાં સફળતાપૂર્વક લૂંટ કર્યા બાદ આરોપી બાજુમાં આવેલી ઓમ ટી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં ગયો અને દુકાનદાર સુબ્રત દલાઇ પાસે પૈસાની માંગણી કરી. વેપારી સુબ્રત દલાઇએ ધમકીને વશ ન થતાં અને પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ તેના પર આરી વડે હુમલો કર્યો. વેપારીએ હુમલો પકડવાનો પ્રયાસ કરતાં આરી (કરવત) તેમના હાથની કલાઇમાં વાગી ગઈ, જેનાથી તેમને ઇજા પહોંચી.


વેપારીઓમાં ભયનો માહોલ, કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ન

આરોપીએ હુમલો કરતાં આસપાસના લોકો ભેગા થવા લાગ્યા, જેના પગલે તે પોતાની આરી ત્યાં જ મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સરાજાહેર લૂંટમાં આરોપી કુલ રૂપિયા ૧૧,૨૦૦/-ની રોકડ રકમ લૂંટી ગયો હતો.

મહત્વની બાબત એ છે કે, આરોપી ગની ચાવડા અગાઉ પણ આ દુકાનોમાં આવતો-જતો હોવાથી તમામ દુકાનદારો તેને નામથી ઓળખતા હતા.

Advertisements

સ્થાનિક વેપારી વર્ગમાં આ સરાજાહેર લૂંટના કિસ્સાથી ભયનો માહોલ સર્જાયો છે. ભોગ બનનારા વેપારીઓના મતે, આરોપી ગની ચાવડા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા હોવાની ચર્ચા છે, જેના કારણે શરૂઆતમાં વેપારીઓ ડરીને ફરિયાદ નોંધાવતાં નહોતા. જોકે, આખરે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આવા શખ્સ સામે કડક પગલાં લેવાય અને સખત કલમો તળે કાર્યવાહી થાય તેવી વેપારી વર્ગ દ્વારા માંગ કરવામાં આવી છે, કારણ કે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ગંભીર પડકાર સમાન છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment