ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરના જય શ્રી આશાપુરા નવરાત્રી મંડળ 6B દ્વારા આયોજિત દસ-દિવસીય સાર્વજનિક નવરાત્રી મહોત્સવએ ભવ્ય સફળતા મેળવી છે. આ નવરાત્રીની સૌથી મોટી વિશેષતા એ રહી કે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક હતી, જેના કારણે દૂર-દૂરથી આવેલા દરરોજ 1000 થી 1200 જેટલા ખેલૈયાઓએ મા આશાપુરાના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

મંડળ દ્વારા ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે દરરોજ 51 ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી ખરા અર્થમાં ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ના સૂત્રને સાર્થક કરતી હતી, કારણ કે અહીં કોઈ ટિકિટ નહોતી અને કોઈ VIP પાસ નહોતા. દરેક ખેલૈયાને સમાન રીતે રાસ રમવાનો આનંદ મળ્યો હતો. મા જગદંબાના આશીર્વાદથી આ મહોત્સવ એક યાદગાર પ્રસંગ બની ગયો.

કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ નંદુભાઈ મિતવાણી અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સફળ આયોજનમાં યોગદાન આપનાર કાર્યકર્તાઓમાં અમિતભાઈ ભજન લાલ, જેકી ભાઈ, ચંદુ આસનાણી, ગોદુભાઇ, અશોકભાઈ, ગગીભાઈ, અરુણભાઇ, સંજુભાઈ, નારી ભાઈ અને અન્ય સૌ સભ્યોનો અમૂલ્ય સહકાર રહ્યો હતો.
