ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે વેરા વસૂલાતને વેગ આપવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ₹10,000થી વધુનો ટેક્સ બાકી હોય તેવા 480 મોટા બાકીદાર મિલકતધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી દિવસોમાં કડક વહીવટી પગલાં લેવાના સંકેતો મળી રહ્યા છે.
ગાંધીધામ અને આદિપુર જોડિયાં શહેરોમાં કુલ 60,650 મિલકતધારકો નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં છ મહિનાના સમયગાળામાં ₹50 કરોડનાં કુલ માગણા સામે મનપાએ અત્યાર સુધીમાં ₹15.20 કરોડની વેરા વસૂલાત કરી છે. મનપા માટે ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી વસૂલાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વસૂલાતની સ્થિતિ અને પડકારો
This Article Includes
- કુલ મિલકતો: 60,650
- છ મહિનામાં ટેક્સ ભરનારા: 32,400 કરદાતા
- હવે વસૂલાત બાકી: 28,200 કરદાતા પાસેથી
એપ્રિલથી જૂન દરમિયાન 10% રિબેટ યોજના અને ત્યારબાદ 5% રાહત યોજના કાર્યરત હોવાથી વસૂલાતમાં વધારો જોવા મળ્યો છે. જોકે, વર્ષો જૂના બાકીદારો ટેક્સ ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપવાની શરૂઆત કરાઈ છે. હવે બાકીદારોને માત્ર ત્રણ દિવસમાં ટેક્સ ભરપાઈ કરવા જણાવાયું છે, નહીં તો વહીવટી તંત્ર દ્વારા કડક વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે.
નવી મિલકતોનો ઉમેરો અને અન્ય આવક
નવ મહિનામાં 614 નવી મિલકતોનો ઉમેરો: જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગાંધીધામ અને આદિપુર જોડિયાં શહેરોમાં કુલ 614 નવી મિલકતો નોંધાઈ છે. આમાં ગાંધીધામમાં 524 અને આદિપુરમાં 90 મિલકતોનો સમાવેશ થાય છે, જેની આકારણી બાદ તેના ઉપર ટેક્સ દાખલ કરવામાં આવ્યો છે. મિલકતધારકો દ્વારા નક્શા સહિતના કાગળો આપ્યા બાદ આકારણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
નામ ટ્રાન્સફર થકી ₹24.49 લાખની આવક: જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં મનપાને 864 મિલકતોમાં નામ ટ્રાન્સફરની અરજીઓ મળી હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે. અગાઉ નિશ્ચિત રકમ લેવાતી હતી, પરંતુ હવે દસ્તાવેજની રકમ ઉપર ટકાવારીનાં માધ્યમથી ટ્રાન્સફર ફી લેવાનું શરૂ કરાતા મનપાને આ થકી ₹24,49,128ની નોંધપાત્ર આવક થઈ છે.
મહાપાલિકા બન્યા બાદ સરકારે વધારાનો કે નવો ટેક્સ ન નાખવા માટે મનાઈ ફરમાવી છે, જેથી સ્વભંડોળની નિર્ભરતા મુખ્યત્વે મિલકત વેરા ઉપર જ રહે છે. આથી, વહીવટી તંત્ર બાકી વેરાની વસૂલાત પર ભાર મૂકી રહ્યું છે.