ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છનું મુખ્ય વેપારી મથક ગણાતા ગાંધીધામ શહેરની મુખ્ય બજાર (ગાંધી માર્કેટ) અને આર્કેડમાં દબાણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. લગભગ પાંચ કરોડના ખર્ચે બજારના આધુનિક વિકાસ માટેનો મોટો પ્રકલ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની ડિઝાઇન પણ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવી છે. આ આધુનિક વિકાસ યોજનાનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં, પણ વ્યવસ્થિત પાર્કિંગ અને અવરજવર માટે સુવિધાજનક માર્ગો બનાવવાનો છે.
આર્કેડમાં સામાન રાખનાર સામે જપ્તી અને દંડની ચેતવણી
This Article Includes
દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવ્યા બાદ પણ પરિસ્થિતિમાં સંપૂર્ણ સુધારો આવ્યો નથી. હજુ પણ આર્કેડ અને વચલી બજારમાં દુકાનદારો દ્વારા સામાન બહાર રાખવામાં આવતો હોવાની ફરિયાદો મહાનગરપાલિકાને મળી રહી છે. જેના કારણે રાહદારીઓ માટે ત્યાંથી ચાલવું મુશ્કેલ બન્યું છે.
સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને મહાનગરપાલિકાના વહીવટી તંત્રે હવે નરમ વલણ છોડીને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. અધિકારીઓએ મુખ્ય બજાર અને વચલી બજારના દુકાનદારોને સ્પષ્ટ સૂચના આપી છે કે જો આર્કેડમાં કે બહારના ભાગે સામાન રખાશે, તો તે સામાન તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને સાથે સાથે દંડની વસૂલાત પણ કરાશે. પાલિકાએ આર્કેડની જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી રાખવા માટે તાકીદ કરી છે.
તહેવારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા
વર્ષોથી ગાંધીધામની ગાંધી માર્કેટથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ સુધીના વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ સાંજના સમયે વાહનચાલકો પરેશાન થાય છે, ત્યારે તહેવારો દરમિયાન તો સ્થિતિ અત્યંત વિકટ બની જાય છે.
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં લગભગ પાંચ કરોડના ખર્ચે માર્ગોનું નિર્માણ અને બંને બાજુએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે. આ ઉપરાંત, મુખ્ય બજારના ટ્રાફિકને હળવો કરવા માટે બજારની પાછળના ભાગે (સાઉથ અને નોર્થ) મોટા પાર્કિંગ પ્લોટ બનાવવાની યોજના પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાઉથ તરફ પાર્કિંગ પ્લોટ બનાવવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે.
પાલિકાના આ કડક પગલાં શહેરીજનોને ટ્રાફિક અને અવ્યવસ્થામાંથી રાહત અપાવશે તેમજ ગાંધીધામની મુખ્ય બજારને એક આધુનિક અને સુવ્યવસ્થિત રૂપ આપશે તેવી આશા છે.