મેઘપર બોરીચીની શિવધારા નગર સોસાયટીમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ભવ્ય નવરાત્રી ઉત્સવ સંપન્ન

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ:  મેઘપર બોરીચીની શિવધારા નગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા આયોજિત શારદીય નવરાત્રી 2025 ઉત્સવ ભક્તિ, ઉલ્લાસ અને કોમી એકતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. સર્વે 163માં આવેલ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં નવ દિવસ સુધી માતાજીની આરાધના અને રાસ-ગરબાની રમઝટ જામી હતી.

ધાર્મિક વિધિઓ અને પૂજન-આરતી

નવરાત્રીના નવે દિવસ ગોપાલભાઈ મારાજ કરકમલે માતાજીની ભાવપૂર્વક આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સમસ્ત શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરરોજ સાંજે ભક્તો દ્વારા પરંપરાગત રાસ-ગરબા અને ડાંડિયાની રમઝટ પછી રાત્રે નાસ્તા-પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું.

Advertisements

મેઘરાજાના આશીર્વાદ વચ્ચે ખેલૈયાઓનો થનગનાટ

ખાસ કરીને અષ્ટમીના દિવસે સવારે ભવ્ય હવનનું આયોજન થયું હતું. રાત્રે ખીર પ્રસાદનું વિતરણ ચાલી રહ્યું હતું, તે જ સમયે મેઘરાજાનું વરસવું થયું હતું. જોકે, આ વરસાદની ખેલૈયાઓના ઉત્સાહ પર કોઈ અસર થઈ નહોતી. ભીંજાયેલા માહોલમાં પણ જોશભેર ખેલૈયાઓએ રાસ-ગરબાની મોજ માણી હતી, જે આ વર્ષના ઉત્સવનું એક યાદગાર દ્રશ્ય બની રહ્યું હતું.

વિસર્જન અને પૂર્ણિમા પ્રસાદ

નવમી નવરાત્રીના દિવસે સોસાયટી અને આસપાસના રહેવાસીઓના ગરબા એકઠા કરીને માતાજીના જયકારા સાથે તળાવમાં વિધિપૂર્વક તારણ (વિસર્જન) માટે લઈ જવામાં આવ્યા હતા. નવરાત્રી બાદ પૂર્ણિમાના શુભ દિવસે મહેશભાઈ ઠક્કર દ્વારા ખીર પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી, જેનાથી ઉત્સવનું ભક્તિમય સમાપન થયું હતું.

બાળ કલાકારોને પ્રોત્સાહન અને સહયોગ

સોસાયટીના બાળક-બાળકીઓના ઉત્સાહ અને પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સહયોગી માતુશ્રી મેથીદેવી નાથારામજી લુહાર અને પ્રેમભાઈ પંડિત તરફથી તેમને પ્રોત્સાહક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દાતાઓ અને સન્માનનીય સહયોગીઓ

આ નવ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના રહેવાસીઓનો ઉમદા સહયોગ મળ્યો હતો. નાસ્તા-પ્રસાદીના દાતાઓમાં કંસારા પરિવાર, ચેતન બારોટ (અમૂલ વાળા), નારાયણભાઈ સોરઠીયા, ઉર્વીશ અશ્વિનભાઈ પટેલ, પ્રવિણસિંહ સોઢા, સિમરનબેન લાલવાણી, જય જોશી, પદુભા જાડેજા (કેબલ વાળા), અને મહેશભાઈ ભુવાનો સહયોગ સન્માનનીય રહ્યો હતો.

ઉપરાંત, રમેશભાઈ ભાનુશાલી દ્વારા નવરાત્રી મંડળને સોળ ખુરશીઓ અને ગોદુમલ લાલવાણી તરફથી પાથરવા માટે સાદડી તેમજ ડાંડિયાની ભેટ મળી હતી, જે ઉત્સવના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.

સંગીત અને નૃત્યની ધૂમ

ચોંકમાં ડી.જે. તેજ, નિખિલ અને સાહિલના સંગીત સથવારે બાળ, બાળકીઓ, બહેનો, માતાઓ અને ભાઈઓ સૌએ ગરબા રાસ, ટીબલી, ડાકલા, અને ડાંડિયા જેવા પારંપરિક નૃત્યોની ભરપૂર મૌજ માણી હતી. સંગીતના તાલે સૌ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.

Advertisements

સફળ આયોજન બદલ આભાર વ્યક્ત

સમગ્ર કાર્યક્રમ રહેવાસીઓના સહયોગ અને કાર્યકરોની જહેમતથી સફળ રહ્યો હતો. સોસાયટીના પ્રમુખ નરેન્દ્ર અકબરી પટેલએ સમસ્ત સોસાયટીજનો અને સહયોગીઓનો અંતમાં આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સમગ્ર માહિતી રાજેશ લાલવાણી દ્વારા યાદીમાં જણાવવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment