ગુજરાતની ‘રી-લાઈફ’ અને ‘રેસ્પિફ્રેશ ટીઆર’ કફ સિરપમાં ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળતાં ગુજરાત સરકારે તાત્કાલિક રીકોલનો આપ્યો આદેશ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકોના કરુણ મોત થયા બાદ દેશભરના ફાર્મા સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલાની તપાસમાં ગુજરાતમાં બનેલા બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ (DEG)નું પ્રમાણ જોખમી સ્તરે વધુ મળી આવ્યું છે, જેને પગલે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે આ સિરપનો સમગ્ર જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવાનો (રીકોલ) આદેશ આપ્યો છે.
કયા સિરપમાં મળ્યું ઝેરી કેમિકલ?
This Article Includes
મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં બે ગુજરાતી કંપનીઓના કફ સિરપમાં DEGનું પ્રમાણ વધુ મળ્યું છે. કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા DEGનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં આ માપદંડનું ઉલ્લંઘન થયું છે.
- રી-લાઈફ (Re-Life): MFG- M/s શેપ ફાર્મા પ્રા. લિ. (સુરેન્દ્રનગર)માં બનેલું.
- રેસ્પિફ્રેશ ટીઆર (Respifresh TR): MFG- M/s રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રા. લિ. (અમદાવાદ/બાવળા)માં બનેલું.
આ ઝેરી કેમિકલના કારણે કિડની ફેલ થવા અને બ્રેઇન હેમરેજ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થવાનું જોખમ રહેલું છે.
ગુજરાત સરકારની કડક કાર્યવાહી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે આ બંને કંપનીઓને દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ, FDCA (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન)ના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ બજારમાંથી પરત ન ખેંચાઈ જાય ત્યાં સુધી સમગ્ર પ્રક્રિયા પર સખત દેખરેખ રાખવામાં આવે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પબ્લિક એલર્ટ પણ જાહેર કરાયું છે.
સમગ્ર રાજ્યની કફ સિરપ કંપનીઓની તપાસ થશે
આ ઘટના માત્ર બે કંપનીઓ પૂરતી સીમિત નહીં રહે. આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ સહિતની ઓરલ લિક્વિડ દવાઓ બનાવે છે, તે તમામની તપાસ કરવામાં આવશે.
રાજ્યમાં હાલ 624 જેટલી ઓરલ લિક્વિડ દવાઓ બનાવતી પેઢીઓ કાર્યરત છે. તમામ મદદનીશ કમિશનરોને તેમના વિસ્તારની દવા પેઢીઓની ઝીણવટભરી તપાસ કરવા કડક સૂચના આપવામાં આવી છે.
તપાસના મુખ્ય મુદ્દાઓ:
- પાણીની ગુણવત્તા
- કાચામાલના સોર્સ (સ્રોત)
- ઉત્પાદન પ્રક્રિયા
- ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ
- દરેક પેઢીમાંથી ઓછામાં ઓછા પાંચ નમૂનાઓ લઈ તાત્કાલિક વડોદરા લેબોરેટરીમાં તપાસ માટે મોકલાશે.
સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુણવત્તા ધોરણોમાં થોડી પણ ખામી હવે સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દવાઓની ટ્રેસેબિલિટી સિસ્ટમને પણ મજબૂત કરવા માટે તૈયારી કરી રહી છે, જેથી ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં કોઈપણ અસુરક્ષિત બેચ માર્કેટમાં ન રહે.