ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજાર તાલુકાના સુગારિયા ગામમાં નિશાચરોએ મંદિરોમાં સામૂહિક ચોરીના બનાવોને અંજામ આપતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ગામમાં આવેલ છ જુદા-જુદા મંદિરોમાંથી સોના, ચાંદીના છત્તર, વાસણ મળીને કુલ રૂા. 40,500ની મતાનો હાથ માર્યો હતો. પોલીસે ગામના બે શખ્સોને પકડી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંજારની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ મંદિરોમાંથી ચોરીના બનાવો બન્યા છે. નાની ખેડોઈના રામાપીર મંદિરમાંથી અગાઉ લાખોના આભૂષણો, છત્તર વગેરેની ચોરી થઈ હતી, જેમાં હજુ સુધી સમ ખાવા પૂરતા એકેય આરોપી પકડાયા નથી. નિશાચરો વારંવાર મંદિરોમાંથી ચોરીના બનાચવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. દમ હૈ તો રોક કે બતાઓનો પડકાર પોલીસ ઝીલતી ન હોય તેમ અગાઉની અનેક મંદિરચોરીના બનાવો પરથી હજુ પણ પડદો ઊંચકાયો નથી. તેવામાં વધુ એક સામૂહિક મંદિર ચોરીના બનાવથી ભારે રોષની લાગણી ફેલાઈ છે.
અંજાર-ભુજ ધોરીમાર્ગ નજીક આવેલા અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામમાં તા.18/2ના મોડી રાત્રે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા દરમ્યાન નિશાચરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. અહીંના આહીરવાસમાં રહેતા અને ખેતી કામ કરતા જીવા વાલા ગુજરિયા (આહીર)એ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની રાત્રે ફરિયાદી અને અન્ય લોકો રાત્રે બે વાગ્યા સુધી જાગતા હતા. આ મિત્રો સૂઈ ગયા બાદ તસ્કરો બહાર નીકળ્યા હતા. ગઈકાલે સવારે આ ફરિયાદી જૂના ગામમાં ભાગળમાં આવેલા મોમાઈ માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં ત્યાં ગામ લોકો એકઠા થયા હતા અને રાત્રિ દરમ્યાન મંદિરોમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. સુથાર પરિવારના ચામુંડા માતાજીનાં મંદિરમાંથી નાના-મોટા છત્તર, વાસણો, મરંડ પરિવારના મોમાય માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર, બાજુમાં વાછરા દાદાના મંદિરમાંથી ચાંદીના છત્તર, જાડેજા પરિવારના મોમાય માતાના બે મંદિરોમાંથી સોના, ચાંદીના છત્તર તથા શીતળા માતાનાં મંદિરમાંથી ચાંદીના છત્તર આ તસ્કારો ઉઠાવી ગયા હતા.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ છ મંદિરોમાંથી ચાંદીના નાના-મોટા 59 છત્તર તથા સોનાના ત્રણ છત્તર અને રસોડાના વાસણ એમ કુલ રૂા. 40,500ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ચોરીનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસે દોડધામ આદરી હતી અને ગામના જ પુનિત શામજી મરંડ તથા પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી ચાંદીના નાના-મોટા 59 છત્તર, સોનાના ત્રણ છત્તર તથા રૂા. 2000ના વાસણ એમ કુલ 40,500નો તમામ મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. આ બન્ને શખ્સોએ મોજશોખ માટે મંદિરોમાંથી ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.