ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પ્રેમ સંબંધ પરિવારને મંજૂર ન હોવાથી પાકિસ્તાનના થરપારકર જિલ્લાના બે કિશોર-કિશોરીઓએ એક મોટું જોખમ ખેડ્યું છે. માત્ર ૧૫ અને ૧૬ વર્ષની વયના આ યુગલે ભારત-પાકિસ્તાન વચ્ચેની દુર્ગમ રણ સરહદને ગેરકાયદેસર રીતે પગપાળા પાર કરી અને તેઓ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે.
જાગૃત ગ્રામજનોની સતર્કતા
This Article Includes
આજે સવારે, જ્યારે આ બંને યુવાનો ખડીર દ્વીપના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે, સાંગવારી માતાજીના મંદિર પાસેના તળાવ નજીક પહોંચ્યા, ત્યારે લાકડાં કાપતા અને ખેતમજૂરી કરતા મજૂરોની નજર તેમના પર પડી.
પૂછપરછ દરમિયાન બંને પાકિસ્તાની સિંધી બોલી રહ્યા હોવાનું ધ્યાને આવતા અને તેમની શંકાસ્પદ હિલચાલને કારણે મજૂરોએ તુરંત ગામના સરપંચને જાણ કરી. સરપંચની સતર્કતાથી પોલીસને જાણ કરાઈ અને ખડીર પોલીસ સ્ટેશનના સ્ટાફે બંને યુગલને ઝડપી પાડી, તેમના હવાલે કરી દીધા હતા.
પ્રેમ સંબંધનો ખુલાસો
ખડીર પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ઝાએ આ અંગે જાણવાજોગનોંધ નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ૧૬ વર્ષિય કિશોર અને ૧૫ વર્ષિય કિશોરી એકમેકને પ્રેમ કરતા હતા. તેમનો આ પ્રેમ સંબંધ પરિવારજનોને સ્વીકાર્ય ન હોવાથી, બંનેએ એકમેકના હાથમાં હાથ પરોવીને ભાગી જવાનો અને સરહદ પાર કરીને ભારત આવી જવાનો નિર્ણય કર્યો હતો.
ભીલ સમાજના યુગલ અને દુર્ગમ માર્ગ
પકડાયેલા યુગલની ઓળખ થઈ છે કે બંને ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની છે. તેઓ એકબીજાના પાડોશમાં રહેતા હતા.
ખાસ નોંધનીય છે કે, હાલ ભારત-પાકિસ્તાન વચ્ચેની રણ સરહદ પર ચોતરફ ભારે માત્રામાં પાણી ભરાયેલું છે. આ વિકટ અને જોખમી રસ્તો પગપાળા ચાલીને, પાણીમાંથી પસાર થઈને તેઓ આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચ્યા હતા. આટલા નાની વયે આવો ખતરનાક નિર્ણય લેવો અને તેને પાર કરવો એ ચોક્કસપણે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ
પોલીસે બંને યુવાનોની તબીબી તપાસ કરાવ્યા બાદ તેમને ભુજમાં આવેલા જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. JIC ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે BSF, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને અન્ય એજન્સીઓ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ યુગલનો ઇરાદો માત્ર પ્રેમ સંબંધ જ છે કે તેની આડમાં અન્ય કોઈ દેશવિરોધી ગતિવિધિ સંકળાયેલી છે, તે અંગેની તપાસ હવે શરૂ થશે.