ગાંધીધામ ટુડે, ન્યૂઝ: મધ્ય પ્રદેશના છિંદવાડામાં ૧૭ અને રાજસ્થાનમાં ૩ બાળકોનાં મોત શંકાસ્પદ કફ સિરપના કારણે થયાની આશંકા બાદ ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે, અને રાજ્યભરમાં બાળકોના આરોગ્યને લગતા ગંભીર મામલામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે દરેક જિલ્લામાં ફાર્મસીમાંથી કફ સિરપના નમૂનાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ ડ્રગ વિભાગ સક્રિય બન્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી કચ્છ જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમે સઘન કામગીરી હાથ ધરી છે. ભુજ અને ગાંધીધામ વિસ્તારની વિવિધ ફાર્મસીઓ અને હોલસેલ દવા વિતરકો પાસેથી ડ્રગ વિભાગે કુલ ૨૩ અલગ-અલગ કફ સિરપના સેમ્પલ લીધા છે. જેમાંથી ભુજમાંથી ૧૨ અને ગાંધીધામમાંથી ૧૧ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે.
ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપ પર ખાસ ધ્યાન
This Article Includes
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોનાં મોત કોલ્ડ્રિફ કફ સિરપથી થયાની આશંકા વ્યક્ત થઈ હતી. આ સંજોગોમાં, કચ્છ ડ્રગ વિભાગે ખાસ કરીને એ જ પ્રકારના કન્ટેન્ટ ધરાવતી ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપની ચકાસણી માટે નમૂનાઓ એકત્ર કર્યા છે.
કચ્છ ડ્રગ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, લેવામાં આવેલા તમામ ૨૩ સેમ્પલને વડોદરા સ્થિત ગવર્મેન્ટ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ લેબોરેટરીમાં સેમ્પલની રસાયણિક તપાસ કરવામાં આવશે, જેના દ્વારા દવાઓની ગુણવત્તા, તેમાં રહેલા મિશ્રણ અને માનવ આરોગ્ય પર પડતી અસરો અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
સાવચેતીના પગલાં અને ચેકિંગ
એ ઉલ્લેખનીય છે કે, સત્તાવાર રીતે હજી સુધી કચ્છ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈપણ બાળકના મૃત્યુ અથવા કફ સિરપના કારણે ગંભીર આડઅસરનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં પણ, રાજ્ય સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે આ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ વિભાગમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે જે ‘કૉલ્ડ્રિફ કફ સિરપ’થી અન્ય રાજ્યોમાં બાળકોના મોત થયા હોવાની આશંકા છે, તે સીરપ હાલમાં કચ્છમાં ઉપલબ્ધ નથી.
વધુમાં, માત્ર ડ્રગ વિભાગ જ નહીં પરંતુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ શહેરની દુકાનો, પાન ગલ્લાઓ અને મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગનો મુખ્ય હેતુ નશાકારક સિરપ જેવી વસ્તુઓનું ગેરકાયદેસરનું વેચાણ અટકાવવાનો હતો.
નાગરિકોને અપીલ
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના બાળકોને કોઈપણ પ્રકારની કફ સિરપ આપતા પહેલાં ફરજિયાતપણે ડૉક્ટરની સલાહ લે. તેમજ, બિનમાન્ય કે બિનબ્રાન્ડેડ દવાઓનો ઉપયોગ કરવાનું ટાળે, જેથી બાળકોના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર ન થાય.