ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ના ચેરમેન સુશીલકુમાર સિંઘને એક પત્ર પાઠવીને આદિપુરના એસઆરસી (SRC) સંલગ્ન લીઝધારકોને પડી રહેલી ગંભીર સમસ્યાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવાયું છે કે છેલ્લા 18 માસથી એસઆરસીના લીઝધારકોના ખુલ્લા પ્લોટના ટ્રાન્સફર તેમજ મોર્ગેજ પરવાનગીઓ આપવામાં આવી રહી નથી, જેના કારણે લીઝધારકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
55 દિવસ પછી પણ નિર્ણયની અમલવારી નહીં
This Article Includes
આ બાબતે વિવિધ એસોસિએશનો દ્વારા ચેરમેન સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો કરવામાં આવી છે. એટલું જ નહીં, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સમક્ષ પણ મોર્ગેજ પરવાનગી આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, લગભગ 55 દિવસ કરતાં વધુ સમય વીતી જવા છતાં, જે નિર્ણય જાહેર કરાયો હતો તેની અમલવારી થઈ શકી નથી. આ જાહેર કરાયેલા નિર્ણયને ધ્યાને લઈને બેંકોએ પણ ધિરાણ મંજૂર કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ મોર્ગેજ પરમિશન બાબતેની જાહેરાત હજુ કાગળ પર ન આવતાં લોકો અને બેંકો ફરી નિરાશ થયા છે.
કરોડોના ધિરાણ અને વેપારને વેગ આપવા માંગ
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે જો આ નિર્ણયની તાત્કાલિક અમલવારી કરવામાં આવે તો કરોડો રૂપિયાનું ધિરાણ માર્કેટમાં ઠલવાય અને વ્યાપાર-ધંધાને મોટો વેગ મળી શકે.
સંગઠનના ધર્મેશ દોશીએ તેમની રજૂઆતમાં તહેવારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, નવરાત્રી જેવા તહેવાર ગયા અને 2 ઓક્ટોબરના રોજ ગાંધીજયંતીની ઉજવણી પણ કરવામાં આવી છે, ત્યારે આ પ્રજાલક્ષી નિર્ણયની તાત્કાલિક અમલવારી કરવામાં આવે તો તે લીઝધારકો માટે દિવાળીની ભેટ સમાન ગણાશે. તેમણે માંગ કરી હતી કે આ રજૂઆતને ધ્યાને લઈને દિવસોમાં નહીં, પરંતુ કલાકોમાં આ નિર્ણયની અમલવારી કરવામાં આવે.