ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને દબાણમુક્ત કરવાની અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી તા. ૦૭/૧૦/૨૦૨૫ થી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માનનીય કમિશનરશ્રી મનીષ ગુરવાની સાહેબના સચોટ માર્ગદર્શન હેઠળ, આ ઝુંબેશના ભાગરૂપે આજે (તારીખ) ટી.એ.ઝેડ, સી.એ.એક્ષ, જનતા હાઉસ અને છ વાળી વિસ્તારના રોડ વીર્થ પરના દબાણો હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી.
આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ વીર્થ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરીને ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાનો છે.
દબાણ હટાવવાની આ કામગીરીમાં મહાનગરપાલિકાની ૩ જે.સી.બી., ૩ ટ્રેકટર અને ૧૫ કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રામાનુજની સીધી હાજરી અને દેખરેખ હેઠળ આ કાર્યવાહી સુચારુરૂપે પૂર્ણ કરવામાં આવી.

સૌથી નોંધનીય બાબત એ રહી કે મહાનગરપાલિકાની આ ઝુંબેશને સ્થાનિક લોકો તરફથી પણ વ્યાપક સહયોગ પ્રાપ્ત થયો છે. લોકોએ સ્વયં પહેલ કરીને ૫૪ જેટલા દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા. નાગરિકોના આ સક્રિય સહયોગથી મહાનગરપાલિકાની મશીનરી, માનવશક્તિ અને સમયનો મોટો બચાવ થયો છે.
મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને તેમની સમગ્ર ટીમે દબાણ સ્વેચ્છાએ હટાવનાર નાગરિકોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વની અપીલ:
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવે છે કે જેમણે રોડ વીર્થ અથવા જાહેર સ્થળો પર દબાણ કરેલ હોય તેવા નાગરિકો પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી થાય તે પહેલાં પોતે જ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લે.
મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરને સુંદર, સુવ્યવસ્થિત અને દબાણમુક્ત બનાવવા માટે આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.
