‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ને સફળતા: SOG ગાંધીધામ દ્વારા 11.400 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ-કચ્છ, તેમજ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામના સઘન માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોના દૂષણને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરફેરની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે એસ.ઓ.જી. ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી.

એસ.ઓ.જી. ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે, અંજાર વિસ્તારમાં આવેલ મેઘપર કુંભારડી ખાતે નેન્સી-૦૬ સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ ભુપાલસિંહ ઉર્ફે ભુપતસિંહ પરમાર (ઉ.વ. ૫૦) તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો મોટો જથ્થો રાખીને વેચાણ પ્રવૃત્તિ કરતો હોવાની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી.

Advertisements

આ માહિતીના આધારે એસ.ઓ.જી. ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મહેન્દ્રસિંહ પરમારના રહેણાંક મકાન, સર્વે નંબર ૧૨૪/૧, પ્લોટ નંબર ૧૦૫, નેન્સી-૦૬, મેઘપર કુંભારડી ખાતે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો વજન ૧૧.૪૦૦ કિલોગ્રામ મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલ ગાંજાની આંકવામાં આવેલી કિંમત રૂપિયા ૧,૧૪,૦૦૦/- છે.

આ ઉપરાંત, પોલીસે આરોપી પાસેથી વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડીજીટલ વજન કાંટા-૦૨ તથા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂ. ૬,૫૦૦/- થાય છે. આમ, એસ.ઓ.જી. દ્વારા કુલ રૂપિયા ૧,૨૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી મહેન્દ્રસિંહ ભુપાલસિંહ ઉર્ફે ભુપતસિંહ પરમાર (મૂળ રહે. મુળી, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરફેર અને વેચાણ કરવા બદલ એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Advertisements

આ કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન, મુદ્દામાલ આપનાર વિરમગામના એક ઈસમ, તેમજ ગ્રાહકો તરીકે વિજય ગઢવી, રામ ગઢવી (બંને રહે. દબડા રોડ, અંજાર) અને દાઉદ (રહે. વિજયનગર, અંજાર) સહિત કુલ ચાર ઈસમોને પકડવાની કાર્યવાહી હાલમાં એસ.ઓ.જી. ટીમ દ્વારા બાકી છે. પૂર્વ કચ્છમાં માદક પદાર્થોના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસની તપાસ વધુ સઘન બની છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment