ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આદિપુરથી અંજાર જતાં રોડ પર મેઘપર (કું) સીમમાં આવેલા અદાણી રેલવે ફાટક પર ગત રવિવારે સાંજે એક યુવાન માલગાડીની અડફેટમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના રહસ્યમય સંજોગોમાં બની હોવાથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, શિણાયની અંબાજી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કોટડીયા સંજય ગોવિંદભાઇનું રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મેઘપર કુંભારડી સીમમાં આવેલા અદાણી રેલવે ફાટક પર માલગાડી અડફેટે આવવાથી મોત થયું હતું.
યુવકનો મૃતદેહ અંજાર સરકારી હોસ્પિટલમાં લાવનાર ધવલભાઈએ તબીબને આ અંગેની જાણ કરી હતી, જેના આધારે તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી.
યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું હતું કે અન્ય કોઈ રીતે અડફેટે આવ્યો, તે અંગેના તમામ મુદ્દાઓ પર પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.