ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આજરોજ તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫, મંગળવારના શુભ દિને આત્મીય વિદ્યાપીઠ, ગાંધીધામ દ્વારા દાન અને પરોપકારની ભાવનાને સમર્પિત કાર્યક્રમ ‘આત્મીય અક્ષયા – યુફોરિયા ઓફ બેનેવેલેન્સ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

માનવતા અને કરુણાના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ અનેકવિધ ચીજવસ્તુઓનું દાન કર્યું હતું. જેમાં બંગડી, નેકલેસ, દીવા, તોરણ, સ્વસ્તિક, માતાજીના ફોટા, રંગોળી, મીઠાઈ, મુખવાસ જેવી વસ્તુઓથી લઈને બ્લેન્કેટ (ધાબળા), ઘઉં, ચોખા, દાળ, ખાંડ જેવી જીવનજરૂરી ખાદ્ય સામગ્રીઓનો સમાવેશ થતો હતો.

ત્યારબાદ, વિદ્યાર્થીઓએ સ્વયં આદિપુર અને ગાંધીધામના વિવિધ ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને આ તમામ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. વિતરણ કરેલા વિસ્તારોમાં આદિપુર મુન્દ્રા સર્કલથી બસ સ્ટેન્ડ સુધી, અંજાર શનિદેવ મંદિર સામેનો વિસ્તાર, અને કાર્ગો ગાંધીધામ જેવા વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ બધી વસ્તુઓની કીટ બનાવીને જરૂરિયાતમંદ પરિવારોને પ્રેમપૂર્વક અર્પણ કરી હતી, જેનાથી તેમને પરોપકારની ભાવનાનો જીવંત અનુભવ થયો હતો.

વિદ્યાર્થીઓના આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા માટે આત્મીય વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રીઓ – શ્રી હેમંત કાછડીયા, શ્રીમતી અંગીરા કાછડીયા, શ્રીમતી માયા ચાવડા અને ડૉ. પૂર્વી ચાવડા – પણ આ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આત્મીય વિદ્યાપીઠના પ્રિન્સિપાલ શ્રીમતી વિદ્યા બાયજુ, તથા હેડ કોર્ડીનેટર શ્રીમતી શ્રીદેવી વેણુગોપાલ અને શ્રીમતી નિશા માલસત્તર એ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સખત મહેનત અને માનવતાના કાર્યને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને દયાભાવનાનું મૂલ્ય મજબૂત બન્યું.
