ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છ, ગાંધીધામ માટે ગૌરવની ક્ષણ છે, જ્યાંના શિક્ષિકા સુશ્રી ફોરમ આર. મહેતાને તાજેતરમાં વડોદરા, ગુજરાત ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીમાં રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર તથા ગુજરાત દ્વારા આયોજિત ‘મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ તથા શિક્ષક સન્માન સમારંભ’માં સુશ્રી ફોરમ આર. મહેતાને “રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી શિક્ષા સમૃદ્ધિ શિક્ષક રત્ન સન્માન 2025” અને **”બેસ્ટ ક્રિએટિવ ટિચર”**ના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન તેમને ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગના સેક્રેટરી સાહેબશ્રી પુલકિત જોષીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
સુશ્રી ફોરમ મહેતાએ રાષ્ટ્રીય સ્તરે કચ્છનું નામ રોશન કર્યું છે, જે સમગ્ર જિલ્લા માટે આનંદની વાત છે. શિક્ષિકા તરીકેની તેમની ફરજ ઉપરાંત, તેઓ અનેકવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. માતૃભાષા સંવર્ધનમાં પણ તેમને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી સન્માન પ્રાપ્ત થયેલું છે. તેઓ વિવિધ જગ્યાએ નિર્ણાયક તરીકે, મોટિવેશનલ સ્પીકર તરીકે, પોડકાસ્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના કવિતાઓના પુસ્તકો પણ પ્રકાશિત થયેલ છે અને તેઓ ‘રાષ્ટ્રીય કવિ’ તરીકે પણ સન્માનિત છે.
તેમના આ ગૌરવપૂર્ણ સન્માન બદલ સમગ્ર કચ્છ જિલ્લા, પરિવાર, મિત્રો અને શાળા તરફથી સુશ્રી ફોરમ રશ્મિકાંત મહેતાને શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ જ કલ્યાણકારી પ્રવૃત્તિઓ થકી તેઓ ગાંધીધામ અને કચ્છનું નામ સતત આગળ લાવતા રહે તેવી કામના.