ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલી ક્રિષ્નાવિલા સોસાયટીના એક મકાનમાંથી પોલીસે રૂા. ૧,૫૧,૬૩૪નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. મેઘપર કુંભારડીની ક્રિષ્નાવિલા સોસાયટીના મકાન નંબર ૧૯માં પોલીસે ગઈકાલે બપોરે છાપો માર્યો હતો.
આ મકાનમાં રહેનાર દિનેશ મનોહરલાલ રેગર તથા આદિપુરનો મિતરાજસિંહ કિરીટસિંહ જાડેજા નામના શખ્સો દારૂ વેચતા હોવાની તથા દારૂ હાલમાં દિનેશના ઘરમાં હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. મકાનના મુખ્ય દરવાજાને તાળું મારેલું હતું. બારી વાટે ચાવી મેળવી પોલીસે દરવાજાે ખોલી અંદર ગઇ હતી.
આ મકાનમાંથી રોયલ સ્ટેગ ૭૫૦ મિ.લી.ની ૧૫૦ બોટલ, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ મિ.લી.ની ૬૪ બોટલ, મેકડોવેલ્સ નંબર-૧ની ૧૨ એમ કુલ ૨૨૬ બોટલ કિંમત રૂા. ૧,૫૧,૬૩૪નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. દિનેશ અને મિતરાજસિંહ નામના શખ્સો હાજર મળ્યા ન હતા. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલો આ દારૂ કોની પાસેથી કેવી રીતે અહીં આવ્યો હતો તે આ બંને પકડાય બાદમાં બહાર આવશે. જેથી બંનેને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.