ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું રાજ્યનું નવું મંત્રીમંડળ આજે (શુક્રવારે) સત્તાવાર રીતે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યું છે. ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહાત્મા મંદિર ખાતે સવારે 11:30 કલાકે આ ભવ્ય શપથ સમારોહ યોજાશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ મહત્વપૂર્ણ સમારોહ માટેની તમામ તૈયારીઓ મહાત્મા મંદિર ખાતે પૂર્ણ કરી દેવામાં આવી છે.
પસંદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ:
મંત્રીમંડળના વિસ્તરણની લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ગઈકાલે મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી રહી છે. આ તરફ, કચ્છની અંજાર બેઠકના ધારાસભ્ય ત્રિકમ છાંગાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાના સંકેત સાથે ફોન આવ્યો હોવાના અહેવાલો છે.
સંભાવના સેવાઈ રહી છે કે આ શપથવિધિમાં 20 થી 21 જેટલા મંત્રીઓ પદ અને ગુપ્તતાના શપથ લેશે, જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ કાર્યભાર સંભાળશે.