ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને કચ્છ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમલમાં આવેલ નેક્સ્ટ-જેન GST રિફોર્મ વિષયક એક પ્રબુદ્ધ સંમેલન ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનતા અને વેપાર જગતને સરકારના નવા આર્થિક સુધારાના લાભોથી અવગત કરાવવાનો તેમજ “વન નેશન – વન ટેક્સ”ની નીતિને વધુ પ્રભાવશાળી રીતે સમજાવવાનો હતો.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે દરેક ક્ષેત્રમાં પરિવર્તનનો સૂર્યોદય જોયો છે. નાના-મોટા દરેક વેપાર ક્ષેત્રને મજબૂતી મળે તેવા સુધારા વડે MSME સેક્ટરને નવી દિશા મળી છે, જેના સીધા ફાયદા ગાંધીધામ-કંડલા જેવા લોજિસ્ટિક્સ અને પોર્ટ આધારિત ઉદ્યોગોને થઈ રહ્યા છે.
કાર્યક્રમના સંયોજક અને GST રિફોર્મ સમિતિના સંયોજક CA માવજીભાઈ સોરઠીયાએ આર્થિક નીતિઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, “વિકાસ કોઈ દૈવયોગ નથી, તે સુયોજિત નીતિનું પરિણામ છે.” તેમણે ઉમેર્યું કે ટેક્ષ માળખામાં પારદર્શિતા વધવાથી સામાન્ય વેપારીથી લઈને ઉદ્યોગકાર સુધી સૌને રાહત મળશે.
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે, વન નેશન – વન ટેક્સની પ્રક્રિયા 2017થી સતત સુધરતી રહી છે અને હવે સમયની માંગ પ્રમાણે નવી દિશામાં આગળ વધી રહી છે. તેમણે આ સુધારાને માત્ર ટેક્ષ સિસ્ટમ નહીં, પરંતુ “વિકસિત ભારત” તરફની ઉદ્દેશ્યપૂર્ણ યાત્રાનું એક મહત્વનું પગલું ગણાવ્યું.
કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે વડાપ્રધાનના નિર્ણયો દ્વારા વિદેશી આક્રમણોથી ગુમાવેલ સ્વાભિમાન ફરીથી પ્રાપ્ત થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા અને ગુજરાત માલધારી સેલના સંયોજક તથા ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન ડૉ. સંજય દેસાઈએ સીધા તથા આડકતરા ટેક્સના સુધારા કેવી રીતે વેપાર જગતમાં સરળતા લાવે છે અને નાગરિકોને લાભ આપે છે, તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન જીલ્લા ભાજપના હોદેદાર અને પૂર્વ ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડના ડિરેક્ટર મોમાયાભાઈ ગઢવીએ નિભાવ્યું હતું. ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ આભારવિધિમાં સહભાગી થવા બદલ સહુ મહાનુભાવો તથા ઉપસ્થિત શ્રોતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના બૌદ્ધિક સંમેલનો આર્થિક રાષ્ટ્રનિર્માણને નવી ઊંચાઈ આપે છે.
આ પ્રસંગે સહ સંયોજક ભરતસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જીલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, ખજાનચી નરેન્દ્ર રામાણી, કારોબારી સભ્યો તેજસ શેઠ, બલવંત ઠક્કર, કમલેશ પારિયાણી, હરીશ માહેશ્વરી, લક્ષ્મણભાઈ આહિર, અનિમેષ મોદી, કૈલાશ ગોર, જગદીશ નાહટા સહિત વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.